આપો મને - તરહી
દાનમાં આખ્ખો મુલક આપો મને!
કે પછી બસ એક પલક આપો મને!
ખોળું કોને નામ જેનાં છે હજાર?
નામની સાથે અટક આપો મને!
મંઝિલે પ્હોંચી જવા તૈયાર પણ
કોઈ કેડી કે સડક આપો મને!
કોઈ ગુનો ના કર્યો તેની સજા?
જે સજા હો બેધડક આપો મને!
પથ્થરોને પણ પીગાળી દઈશ હું!
એક પથરાળો ખડક આપો મને!
રેતના કણકણને ચમકાવી દઉં!
વીજળીની એક ચમક આપો મને!
વાંસળીઓ વાંસવન વાગી રહી
ઝાંઝરીની એક ઝલક આપો મને!
જોઈ જોઉં કેમ ધબકારો ચૂક્યું?
એક ક્ષણ દિલની ધડક આપો મને!
દોસ્ત ન્હાવા જઉં હું ટાઢા પાણીએ!
જે શીખ્યો હું એ સબક આપો મને!
- હરિહર શુક્લ
No comments:
Post a Comment