હવે લખવાનું હોય કંઇ ટપાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્દયો વ્હાલમાં
આપ જીવી રહ્યાં છો કઈ સાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્દયો વ્હાલમાં
રેડીમેડ લાગણીને ડાઉનલોડ કરવાની, લખવાનું મનગમતુ નામ
પહેલાના વખતના લોકો શરમાતા તે લખતા’તા રાધા ને શ્યામ
દાદા દાદીને કૈ ઓછું પૂછવાનું ? શું મોકલતા રેશમી રૂમાલમાં ?
થોડા વોટ્સેપને મોકલી દ્દયો વ્હાલમાં
સામા છેડા પરનું પંખી આ સ્ક્રીન ઉપર અમથું કાંઇ ફરવા નહીં આવે
ટહુકો ને ટ્યુન બધુ મેચિંગમાં હોયને તો એને પણ ઊડવાનું ફાવે
એકવાર ટાવર જો પકડી શકો તો બધુ રંગી પણ શકશો ગુલાલમાં
થોડા વોટ્સેપને મોકલી દ્દયો વ્હાલમાં
પરબીડીયુ લાવવાનું, સરનામું લખવાનું, ટીકીટ પણ ચોડવાની માથે
અમથું આ ગામ આખુ મોબાઈલ વાપરે છે ? જીવો જમાનાની સાથે
કાગળ લઈ આમ તમે લખવા શું બેઠા છો ? ખોટા પડો છો બબાલમાં
થોડા વોટ્સેપને મોકલી દ્દયો વ્હાલમાં
કૃષ્ણ દવે
No comments:
Post a Comment