ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, May 30, 2017

વિનોદ જોશી

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી
મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...

પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપ્પર ઉમેરે તોફાન;
આમ તેમ જોતી હું તો અમથી ઊભી’તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં...

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી’તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં...

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ’તી
સાવ નોધારી થઈ ને ભણકારમાં...

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થતી હું તો અમથી ઊભી’તી
હવે અમથી ઊભી’તી એંકારમાં...
હજી અડધે ઊભી’તી એંકારમાં...
મુંને ઉંબર લઈ ચાલ્યો...

--- વિનોદ જોશી

No comments:

Post a Comment