દ્રશ્ય હો જો ધૂંધળું તો ભાળવું કઈ રીતથી?
લક્ષ્ય હો અંધારમાં તો તાકવું કઈ રીતથી?
એ ઊભી એના ઝરૂખે વાળને પંપાળતી
લ્યો હવે આ બારણાને વાખવું કઈ રીતથી?
સાચવી રાખ્યું હતું જે સ્વપ્ન મારી આંખમાં
હૂબહૂ એવું જ પાછું લાવવું કઈ રીતથી?
થાય છે પસ્તાવો આજે દિલ સુંવાળું આપતા,
ને પરત પણ માંગવું તો માંગવું કઈ રીતથી?
લોકો કે' છે આંસુનો તો સ્વાદ ખારો હોય છે,
પણ થિજેલાં આંસુને તો ચાખવું કઈ રીતથી?
હોય નક્કી જો મરણનો વાર ને તારીખ પણ!
તો પછીથી ઊંઘવું ને જાગવું કઈ રીતથી?
કવિ-જુગલ દરજી માસ્તર
No comments:
Post a Comment