ઉગીને આથમી જોયું,વળી પાછુ ઉગી જોયું
છુપાવી સૂર્ય ભીતર સૂર્ય ના જેવું બળી જોયું
મજા ઉંચાઇ ની હરરોજ માણી છે અમે કિન્તુ
પતનની જાણવા પીડા સિતારા થઈ ખરી જોયું
બધા સાગર નો મદ ઉતરી ગયો પળવાર માં ત્યારે
બનાવી નાવ કાગળની અમે જયારે તરી જોયું
રહ્યાં અક્ષર એ કોરાંકટ અને પથ્થર ગયાં પલળી
પરાયું નામ એનાં નામ પર જયાં કોતરી જોયું
નથી બદલાવ મારામાં,નથી બદલાવ તારામાં
અતીતોનું સુવાસિત એક પાનું સેરવી જોયું
લખું સારાંશ શું,આ જીવતર જીવી જવાયું છે
ગુમાવ્યું કેટલું તો , કેટલું મેં મેળવી જોયું
હવે પાછુ વળી જોવાનું મન "જોગી"નથી થાતું
હવાની મ્હેક ભીની યાદ આવી ને ફરી જોયું
- મુકેશ જોગી "પાગલ'
No comments:
Post a Comment