ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, December 16, 2018

અનિલ ચાવડા

સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર એ ભૂલું નહીં;
બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં.

કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ,
પ્રાર્થના કરતો હતો કે, ‘કાશ હું ફૂટું નહીં.’

કોઈએ પકડી મને ફેંક્યું હશે બાકી તો હું,
આબરૂનું ચીંથરું છું જાતે કંઈ ઊડું નહીં.

લાગણીનું તેલ રેડ્યા કર હૃદયના કોડિયે,
જેથી અંદર હું સતત પ્રગટેલો રહું, બુઝું નહીં.

સાંજ, તું, હું, આંખમાં છલકાતો આલ્કોહોલ, મૌન;
એક પણ કારણ નથી એવું કે હું ઝૂમું નહીં.

જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં,
હું ય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.

ઊઠતા જોયો મને એણે સભામાંથી, થયું;
હું ભલે દુનિયાથી ઊઠી જાઉં, પણ ઊઠું નહીં.

બોજ ઉંમરનો મને દઈ તું નમાવી નૈં શકે;
એથી બહુ બહુ તો કમરમાંથી વળું, ઝૂકું નહીં.

~ અનિલ ચાવડા

Friday, October 12, 2018

હું મળીશ જ – રાજેન્દ્ર શુક્લ

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

-રાજેન્દ્ર શુક્લ

Thursday, September 13, 2018

ટેરવાં ધ્રૂજી ગયાં - હરેશ સોંદરવા

સ્પર્શ આ કેવો થયો કે ટેરવાં ધ્રૂજી ગયાં,
કમકમાટી હોઠથી હૈયા સુધી મૂકી ગયા.
ડાળ ઈચ્છાની કહો, કોણે હલાવી’તી અહીં
બીકના માર્યા, શરમનાં પંખીઓ ઊડી ગયાં.
ખૂલવાનાં જે હતાં નહિ, દ્વારની જેમ જ કદી,
આયના સામે ઊભા તો આજ એ ખૂલી ગયા.
સ્વપ્ન પણ કેવું સરસ આવ્યું હતું તારા વિશે,
આજ મારી આંગળી પકડી અને ઝૂલી ગયા
એ બિચારાને કિનારો ના મળ્યો ક્યારેય પણ,
જે કદી તારી સમંદર-આંખમાં ડૂબી ગયા.
- હરેશ સોંદરવા

(મુ. પીપરડી, તા. લોધીકા, જિ. રાજકોટ)

Tuesday, September 11, 2018

ભજને હોય પડકારો, ને કવિ માગે દાદ,

'કવિ'
    °°°°°°°°°
ભજને   હોય   પડકારો, ને  કવિ   માગે   દાદ,          
શ્રોતા   કર  તાળી  પડે,  બેઉ  ખિલે  આબાદ.
કવિતા નો જીવડો  છું,કવિતાઓ લખાય જાય,
ના  મુશાયરે  તાળી  પડે, ના  વાહ  વાહ  થાય.
વોટ્સએપ   જો    મોકલું,  ડીલીટ   તૂર્ત  થાય,
સામયિકો   છાપે   નહી,   ફેસબુકે  ન   વંચાય.
કવિતાને  ન્યાય ન  મળે,  દુ:ખી  થયો  હું  બહુ,
મિત્રો   સૌ  રસ્તો  બદલે, ને  દૂર   ભાગે   સહુ.
'મોરપીંછ'    ભેરે   થયું,   કવિની   રાખી  લાજ,
ખુશ છે કવિ અને કવિતા,કવિ ગૃપ મળ્યું આજ.

- હરસુખભાઇ સુખાનંદી
  "સીતારામ"

Monday, August 27, 2018

આ તારુ ગામ લાગે છે... - કુબાવત ઘનશ્યામ

આ તારુ ગામ લાગે છે
એ માટે  આમ લાગે છે

સાંતાડી  હાથ મે જોયું
ત્રોફેલું  નામ  લાગે  છે

શબરીએ નેજવા માંડયાં
સામે જો, રામ લાગે  છે

પણ ખુદા પીવરાવ  મને
તે પીધો, જામ લાગે  છે

ભૂખ્યો ઊભો છે દગાૅએ
અલ્લાનું  કામ  લાગે છે

- કુબાવત ઘનશ્યામ

Saturday, July 21, 2018

રાધા એટલે..

રાધા એટલે..
કૃષ્ણ એ ઝંખેલું દિવ્ય સપનું
કૃષ્ણ ને કદી ન મળેલું સપનું

રાધા એટલે..
કૃષ્ણ એ પોતાની બંસરી માં સતત ઝંખેલો સાદ
પોતાની મજબૂરી મા છોડેલો શ્વાસ

રાધા એટલે..
કૃષ્ણ ના માથા પર ચમકતું મોરપીંછ
કૃષ્ણ ના મસ્તક પર નું તિલક

રાધા એટલે..
એને કદી નથી મળવાની છતાં.. રોજ માગેલી દુઆ
કૃષ્ણ નું પ્રતિબિંબ એટલે રાધા.

રાધા એટલે...
કૃષ્ણ નો શ્વાસ.. કૃષ્ણ નો અધિકાર નઈ પણ
તોય પણ કૃષ્ણ નો પ્રાણ
એટલે રાધા.....
કૃષ્ણ ને સમજવાનો
પ્રયત્ન કરનાર
                               
ધાર્મી ગોંડલીયા(DG)

Thursday, July 19, 2018

કૃષ્ણ એટલે...- ધાર્મી ગોંડલીયા(DG)

કૃષ્ણ એટલે..

રાધા નો પાલવ..
રાધા નું મુખ
રાધા નો અવાજ

કૃષ્ણ એટલે...

રાધા નો આસું નો દરિયો
રાધા નો કાનો
રાધા ની અદમ્ય ઇચ્છા
રાધા નો ગુસ્સા નું કારણ

કૃષ્ણ એટલે..

રાધા ની નવી સવાર
રાધા ના માથા ના ફુલ 🌺
રાધા નું આંખ નું કાજલ

કૃષ્ણ એટલે...

રાધા નું દેવુ..
રાધા ની માંગણી
રાધા નું મૌન...

અને છતાં પણ ક્યારેય ન મળેલ એની કૂણી લાગણી એટલે રાધા નો કૃષ્ણ
               
-  ધાર્મી ગોંડલીયા(DG)

Tuesday, May 22, 2018

ધનેશ મકવાણા

તારા
નામના પુસ્તકના
હુ
રોજ
પાનાઓ વાંચ્યા કરૂ છું
અને
મને જીવતરની
એક એક
હકીકત સમજાય રહી છે
તુ
મારા
દરેક કોયડાનો
સરળ -
સીધો -
ઉકેલ છે
તુ
મારુ એવું ગીત છો
જેને
હુ
હર હંમેશ
સતત
ગાયા કરુ છું .
તુ
મારો
એક જ
એવો શબ્દ છે
જેને
હુ
કાયમી ઘુટયા કરુ છું

- ધનેશ મકવાણા
  20/05/2018

Sunday, May 6, 2018

કૃષ્ણ દવે સાહેબની અદભુત રચના.....

જે કરવાનાં હતાં જ નહી એ કામ કર્યાની માથાકૂટ છે,
મોરપિચ્છને હડસેલીને મુકુટ ધર્યાની માથાકૂટ છે. –કૃષ્ણ

રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું,
ઈચ્છાને આધીન રહી આ નહી મર્યાની માથાકૂટ છે. –ભીષ્મ

સમજણની નજરેયથી ના સમજે તો સમજી લેવાનું
પુત્રમોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. –ધૃતરાષ્ટ્ર

આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છેને
આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે –ગાંધારી

નહીંતર એવી કંઈ મા છે જે વ્હાલ નદીમાં તરતું મૂકે ?
કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે.  – કુંતી

નથી જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે
જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે –સહદેવ

ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યાં,
હોય અંધના અંધ, એટલા વેણ ઝર્યાની માથાકૂટ છે.  – દ્રૌપદી

સો સો હાથીનું બળ પણ લાચાર બની ચિત્કારી ઉઠ્યું
વચનોમાં બાંધી બાંધી આ પળ ઉતર્યાની માથાકૂટ છે -ભીમ

કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે ?
હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. –કર્ણ

તાકેલો નિશ્ચય ધ્રૂજે તો એને તો કહેવું જપડેને
હા અથવા ના ની વચ્ચોવચ આમફર્યાની માથાકૂટ છે –અર્જુન

અંગૂઠો ખોયાનો અમને રંજ હજુયે છે જ નહિં બસ
ખોટી મૂરત સામે સાચા થઈ ઊભર્યાની માથાકૂટ છે –એકલવ્ય

છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું
માના કોઠામાંથી હોંકારા ઉચર્યાની માથાકૂટ છે –અભિમન્યુ

મૃત્યુ સામે કપટ હારતુ લાગ્યું ત્યારેસમજાયેલું
કેવળ પાસામાં જ અમારો જીવ ઠર્યાનીમાથાકૂટ છે –શકુનિ

નરોકુંજરો વા ની વચ્ચે ભાંગી પડતી એપળ બોલી
વિદ્યા વેચી વેચી સામે પાર તર્યાની માથાકૂટ છે –દ્રોણ

થાકી હારી આંસુના તળિયે બેઠા ત્યાં તો સંભળાયું,
ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. – દુર્યોધન

અંતહીન અંધારે મારગ ઘુવડ જેમ ભટકવું એ તો,
અર્ધા જીવતા રાખી અર્ધા પ્રાણ હર્યાની માથાકૂટ છે. – અશ્વત્થામા

ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે ?
સત્ય એટલે મુટ્ટીમાંથી રેત સર્યાની માથાકૂટ છે –યુધિષ્ઠિર

મહાકવિ તો કહેવાયા પણ સાચું કહું આ વ્યથાકથામાં,
ઓતપ્રોત થઈ ઊંડે ને ઊંડે વિચર્યાની માથાકૂટ છે. –વેદવ્યાસ

- કૃષ્ણ દવે

Wednesday, April 18, 2018

મુકેશ મણિયાર - સંકેત દવે સરનાં આભાર સહ.

સુકાઈ જવા આવ્યા છે,
કાછીયાની લારીએ
લાગણીના ફળ…
ચાલ,
ભર હથેળી,
ને છાંટી દે સ્હેજ,
તારી ફિકરનું થોડું-શુ જળ...

- સંકેત દવે

--------------------------------------

કાછિયાની લારીએ
લાગણીનાં ફળને ભીજવવાં,
માંગ્યુ'તું થોડું જળ...
ખબર કયાં હતી કે,
હથેળીમાં પણ હશે
મૃગજળ. (અછાંદશ )

- મુકેશ મણિયાર.

Monday, April 9, 2018

જેમ કુરંગ દોડવાનું ન છોડે - ધનેશ મકવાણા

જેમ
કુરંગ
દોડવાનું ન છોડે
ટેવ વશ
હોય નાભિ મહી
તોય
હાંફી જાય
ઝાંઝવા સમ
એમ
હું
હાંફી જાઉં
સતત
દોડ્યા પછી.

- ધનેશ મકવાણા
(પ્રેરણા સ્રોત ..ડૉ. ભાવેશ જેતપરિયા સાહેબ)

Tuesday, March 13, 2018

જો તુ કનૈયો તો હુ રાધા બની જાવુ - મનીષા પારજીયા


જો તુ કનૈયો તો હુ રાધા બની જાવુ,
તારી સાથે પ્રેમના હુ ગીત મધુરા ગાવુ.

            રસ્તામા તુ રોક નહી,
            વારે વારે તુ ટોક નહી,
            નથી રહી હવે હુ કુમારી,
            જોબનવંતી બની હુ નારી

જો તુ વાંસળી તો હુ એના સુર બની જાવુ,
વાંસળીના સુરમા મોહી દોડી દોડી હુ આવુ.

        યમુના કાંઠે,સરોવર પાળે,
        ગોકુળ ગામના સીમ પછવાડે
        કદંબ કેરા ઝાડ ઓથારે,
        ધેન ચરાવવા આવે ત્યારે.

જો તુ ગોવાળીયો તો હુ ધેનુકા બની જાવુ,
તારી પાછળ પાછળ હુ ઘેલી બનતી આવુ.

- મનીષા પારજીયા

Tuesday, February 27, 2018

વિસરાઈ ગયેલી બાળરમતો – તરંગ બી. હાથી

વિસરાઈ ગયેલી બાળરમતો – તરંગ બી. હાથી
Copied from - Read Gujarati

[1] અડકો-દડકો : બે હાથની આંગળી અંગુઠાં સહિત જમીન પર રાખી ‘અડકો દડકો દહીં દડુકો….’ ગાતાં ગાતાં ‘સાકર શેરડી ખજૂર….’ એમ બોલીને જેના હાથ પર ખજૂરનો ‘ર’ આવે તે હાથ પાછળની તરફ વાળી લેવામાં આવતો. આમ, રમનાર બધાના હાથ પાછળ વળી જાય ત્યારે રમત પૂરી થઈ ગઈ કહેવાય.

[2] ગીલ્લી દંડા : લાકડાંની નાની પણ થોડી મજબુત લગભગ ચાર ઈંચની લાકડીની ગીલ્લી બનાવવામાં આવતી અને તેના જેવી લગભગ બાર ઈંચની લાકડીનો દંડો બનાવવામાં આવતો. ઠીકરાં પર ગીલ્લી ગોઠવી તેના એક ખુલ્લા છેડા પર લાકડીનો પ્રહાર કરી હવામાં ગીલ્લીને ફટકારી દૂર સુધી પહોંચાડવામાં આવતી અને જો હવામાં ઉછળતી ગીલ્લીને સામે ઊભેલ ખેલાડી દ્વારા કેચ કરવામાં આવે તો ગીલ્લીને ફટકારનાર ખેલાડીનો દાવ પુરો થઈ ગયો ગણાતો.

[3] ભમરડા : લાકડાનો શંકુ આકારનો ભમરડો, તેની મધ્યમાં લોખંડની આરી (ધરી). ભમરડાના માથે દોરી ભરાવી ગોળ ગોળ આરી સુધી વીંટી અને ઝાટકા સાથે નીચેની તરફ ફેંકી જમીન પર ફેરવવામાં આવતો અથવા હવામાં ફેરવી હથેળી પર ફેરવવામાં આવતો.

[4] લખોટી : એક કુંડાળું કરી તેમાં રમનાર પોતાની પાસેની લખોટીઓ મુકે છે. કુંડાળાથી થોડે દૂર એક રેખા ખેંચવામાં આવતી. અને રેખાની બહાર ખેલાડીઓ પોતાની પાસે રહેલ લખોટી દ્વારા કુંડાળામાં રાખેલી લખોટીને નીશાન તાકીને બહાર લાવતા. બહાર આવેલ લખોટી તે ખેલાડીની માલીકીની ગણાતી. લખોટીની રમતોમાં અલગ અલગ પ્રકારો પણ છે.

[5] લંગસીયા : ઉત્તરાયણ પતી ગયા બાદ વધેલી દોરીને એક ઠીકરાં સાથે બાંધી લંગસીયું બનાવવામાં આવતું. ખેલાડીઓ લંગસીયા હવામાં ગોળ ગોળ ફેરવી એક બીજાના લંગસીયામાં ભેરવી ખેંચતા. જેનું લંગસીયું તૂટી જાય તે હારી ગયો કહેવાય. ટેલીફોનના તાર પર આવું જ એક લંગસીયું ભરાવવામાં આવતું અને તેના બીજા છેડે બીજું એક ઠીકરું બાંધવામાં આવતું. ઠીકરાં પછી દોરીનો છેડો છુટ્ટો રાખવામાં આવતો. છુટ્ટા છેડાથી ઠીકરાંને ગોળ ફેરવી છુટ્ટું મુકવામાં આવતું અને ત્યાર બાદ જેના હાથમાં છેડો આવે તેને દાવ મળતો.

[6] ખૂચામણી : વરસાદના સીઝનમાં આ રમત ખાસ રમવામાં આવતી. લોખંડનો સળીયો લગભગ બાર ઈંચ. ભીની માટીમાં કુંડાળું કરી ઝાટકા સાથે ખોસવામાં આવતો. જો ખેલાડી ખોસવામાં સફળ ન થાય તો બીજાનો વારો આવતો.

[7] સાત તાળી : જે ખેલાડીનો દાવ હોય તેના હાથ પર બીજો ખેલાડી સાત વાર તાળી આપી ને ‘છુટે છે’ કહી ભાગવાનું. દાવ દેનાર ખેલાડી દોડી અને બીજાને પકડી લે તો તે આઉટ ગણાતો અને આઉટ થયેલ ખેલાડીનો દાવ આવતો.

[8] નદી કે પર્વત : ઓટલા ને પર્વત ગણવામાં આવતો અને જમીન ને નદી. હવે આ રમતમાં દાવ દેનાર ખેલાડીને અન્ય ખેલાડી દ્વારા પૂછવામાં આવતું કે નદી કે પર્વત. ખેલાડી જો ‘પર્વત’ કહે તો ઓટલા ઉપર ઊભા રહેવાનું અને ઓટલા પર આવનાર અન્ય ખેલાડી ને પકડી લે તો તે આઉટ જાહેર કરવામાં આવતો. એવી જ રીતે ‘નદી’ કહે તો અન્ય ખેલાડી ઓટલા પર ઊભો રહે અને દાવ દેનાર જમીન પર.

[9] લોખંડ કે લાકડું ? : દાવ દેનાર ખેલાડીને પૂછવામાં આવતું ‘લોખંડ કે લાકડું ?’ જવાબમાં લોખંડ કહેવામાં આવે તો અન્ય ખેલાડીઓ લોખંડને પકડી ઉભા રહેવાનું. લોખંડમાં બારીની ફ્રેમ, હિંચકાનો સળીયો, ગ્રીલ વગેરે. અને લાકડું હોય તો તેમાં બારી, હિંચકો, આસપાસના વૃક્ષો વગેરે. લોખંડ કે લાકડું પકડવામાં કોઈ નિષ્ફળ જાય તો આઉટ જાહેર કરવામાં આવતો અને પછી તેનો દાવ આવતો.

[10] કલર.. કલર કયો કલર.. ? : કલર કલર કયો કલર – એમ પૂછી દાવ લેનાર કોઈ એક કલરનું નામ કહે અને આસપાસમાં તે કલર દેખાય તો તેને સ્પર્શ કરીને ઊભા રહેવાનું. કલર ન મળે તો તે આઉટ જાહેર કરવામાં આવતો.

[11] ચલકચલાણી : ચાર ખુણે ચાર ખેલાડી ઊભા રહે. દાવ દેનાર કોઈ એક ખુણે જઈને પૂછે ‘ચલકચલાણી’ તો તેના જવાબમાં ખેલાડી તેની વિરુદ્ધની ખુણાને ઉદ્દેશીને જવાબ આપે કે ‘પેલે ઘેર ધાણી’ આમ, ખેલાડી બીજી દિશામાં જાય કે તરત ખુણા પર રહેલા ખેલાડી પોતાના ખુણા બદલી લે. જો એમ કરતાં વચ્ચેથી જ દાવ દેનાર ખેલાડી પકડી લે તો તે આઉટ જાહેર થાય.

[12] ઈંડું : ચલકચલાણી જેવી જ રમત પણ થોડી જુદી. ચોરસ જગ્યા પર બે આડા અને ઊભા પાટા બનાવવામાં આવતા. પાટા જ્યાં ક્રોસ થાય ત્યાં નાનું ચોરસ બનતું અને તેમાં રમનાર ખેલાડીઓ પ્રમાણે ટાઈલ્સના ટુકડા રાખવામાં આવતા. દાવ દેનાર ખેલાડી પાટાની અંદરના ભાગમાં રહેતો અને બાકીના ખેલાડીઓ ખુણાના 4 ચોરસમાં ઊભા રહેતા. દાવ દેનાર ખેલાડી પહેલાં પાટાના છેડાઓને સ્પર્શ કરવા જાય તે સમય દરમ્યાન બાકીના ખેલાડીઓ ટાઈલ્સના ટુકડાને લઈ લે. અને તેમ કરતા કોઈ ખેલાડી ઝડપાઈ જાય તો તે આઉટ જાહેર કરવામાં આવતો.

Wednesday, February 21, 2018

માતૃભાષા દિવસની તમામ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ -- ભરત દરજી"આભાસ"

એક પ્રયાસ અને ક્ષમા સાથે એક કચ્છી રચના.

ગાલ ચોખ્ખીચટ્ટ છતાય સમજણ નાય,
નાય એડી મોહભ્ભત જેમે અડચણ નાય.

ઈ ચેઈ એની તોડી વેધો મુંજો ધિલ્ય,
પાં બોંઈ વેંચમે કોઈ સગપણ નાય.

કરઈ ઓસરી હિકડા થઈ ગાલ્યું કરીએ,
ભેંત કે ઠગી સગે એણો દર્પણ નાય.

ઉલે આથમે હતે રોજ માફક જેંદગી,
ડુખ દરધ જો હાણે કોય ભારણ નાય.

અચેંતો વલા અચ્ચ તોકે' આભાસ' વધાય,
મોત વલો,જીવતરજો જેરાય વળગણ નાય.

- ભરત દરજી"આભાસ"

હાર્દિક પંડ્યા 'હાર્દ'

હા, નથી સમજાતી કોઈ વાત,
કોઈ પીડા કે કોઈ લાગણી,
આ ઉછીની ભાષામાં.
શું કરું જરૂરિયાતે દૂર કરી દીધો,
અંદરના આનંદથી,
બસ શબ્દો અને માત્ર શબ્દો સાથેનો નાતો, કાગળિયા જેવો જ હું
લખાયેલો,
છપાયેલો,
પરંતુ હું વંચાઉ તો માત્ર એજ લહેકામાં,
જે ભાષાએ મને સમૃદ્ધ કર્યો,
મારી માના પાલવની ભાષા
મારી માતૃભાષા.

- હાર્દિક પંડ્યા 'હાર્દ'

મા એ મા એના મૂલ કદી થાઈ નહીં... - રસિક દવે

મા એ મા એના મૂલ કદી થાઈ નહીં
માસી હો  લાખ ભલે મમતાળુ
તોય
એને મા ની તોલે મૂલવાય નહીં.

- રસિક દવે

ગુજરાતી ભાષા વ્હાલી છે... - દેવેન્દ્ર ધમલ


શબ્દે શબ્દે ઉમંગ ધરતી,વાત એની મતવાલી છે.
આસ્વાદનો રસથાળ જાણે,રસમય કોઇ પ્યાલી છે.
         ગુજરાતી ભાષા વ્હાલી છે.

સૂરતી બહુ સુંદર છે,ચરોતરી ને મે'હાણી છે,
પટણીની કંઇ વાત કરો તો,શબ્દોની ઉજાણી છે,
કાઠિયાવાડી બોલી તો,સૌ બોલીમાં નિરાલી છે.
       ગુજરાતી ભાષા વ્હાલી છે.

પદ -ભજનની રમ ઝટ લાગે,પ્રભાતિયાંથી સૌ કોઇ જાગે,
આખ્યાનો નો દૌર હજી છે,આરત-કીર્તન ઘર ઘર વાગે,
ભાવ નીતરતી,હૃદય સ્પર્શી,ગીત ગઝલ કવ્વાલી છે.
        ગુજરાતી ભાષા વ્હાલી છે..

ઘાયલ ,કલાપી,કાન્ત તણી,વણજાર હજી તો ચાલું છે,
જોશી,ત્રિપાઠી,ધૂમકેતુની,લટાર હજી તો ચાલું છે,
મેઘાણીની વાત કરો તો, ઉષાની કોઇ લાલી છે.
         ગુજરાતી ભાષા વ્હાલી છે.

રસ નિતરતાં અલંકરણો,વિરામ ચિહ્નોની વાત વળી શું?
પ્રયોજનો ઉપમા તણાં આ, કેડીએ-કેડીએ ભાત પડી શું?
ગુજરાતી ભાષા બાગ છે ને 'ધમલ' એનો માલી છે.
        ગુજરાતી ભાષા વ્હાલી છે..

          
-દેવેન્દ્ર ધમલ

કવિ જલરૂપ

સૌથી સવાયો હું પાકો ગુજરાતી,
      વેઢે  વેઢે  રાખું  સારી નીતિ.
સૌથી સવાયો હું પાકો ગુજરાતી.

ક, ખ, ગ, ઘ, માસ્તર પાસે ભણું,
પિતા પાસે જૂનું ગણતર ગણું .
હૈયે હોઠેને જીભે રાખું માં ભારતી,
          સૌથી સવાયો હું પાકો ગુજરાતી .

હસતો હસતો દેશ પરદેશમાં જાઉં ,
ગીત જય જય ગરવી ગુજરાત ગાઉં.
છે જલના રૂપ જેવી નિરાળી રીતિ ,
        સૌથી  સવાયો  હું  પાકો  ગુજરાતી.

- કવિ જલરૂપ
મોરબી