અમારી યાદનો સાગર ફરી છલકી ગયો આજે,
અમારો ચાંદ આવી બારણે મલકી ગયો આજે.
અમે ફૂલો ફરીથી પ્રેમનાં મહેકાવશું બાગે,
અમારી આશનો દીપક ફરી ઝળકી ગયો આજે.
રહીને ચુપ મને છુટ્ટું હવે પડવું નથી ગમતું ,
કરીને એકઠી હિંમત મુખે અડકી ગયો આજે
સમય ઓછો પડે છે સાથમાં મારી પ્રિયા હો તો,
હવે સૂરજ અમારી આંખમાં ખટકી ગયો આજે.
નજર કોની હશે લાગી ખબર પડતી નથી અમને,
નથી ઘરનો રહ્યો કે ઘાટનો, લટકી ગયો આજે.
હવે આવી સમજ સાચાં અને ખોટા તણી આજે,
થયું મોડું સમય તો હાથથી છટકી ગયો આજે.
હતો જે પંથ કાંટાથી ભરેલો એજ તે ચીંધ્યો,
હવે માની 'નિરાશે' વાત કે ભટકી ગયો આજે.
'નિરાશ'
અલગોતર રતન
No comments:
Post a Comment