(ગાલગા ગાલગા ગાલગા ગાલગા)
આંખમાં પ્રેમ થોડો જતાવી ગયાં,
હાથમાં નામ મારું લખાવી ગયાં.
આમ તો શાંત જીવન સરોવર હતું ,
કાંકરીથી વમળને જગાવી ગયાં.
હું હતો ઊંઘમાં એટલી છે ખબર ,
કોણ આવી તમાચો લગાવી ગયાં?
રાહ જોતો રહ્યો હું પવનની અને,
કોક આવી પતંગો ચગાવી ગયાં.
જળ ભલે ઝાંઝવાંનાં મળે ચાલશે,
રણ વચાળે ભલેને ફસાવી ગયાં.
પાનખર જ્યાં હતી બાગમાં ત્યાં ફરી,
સ્વપ્ન લીલોતરીનાં ઉગાવી ગયાં.
શબ્દથી આજ બાંધી 'નિરાશે' ગઝલ,
શેર એનાં બધાને હલાવી ગયાં.
-અલગોતર રતન 'નિરાશ'
No comments:
Post a Comment