ભરેલો છું હું ક્યારેક અને ક્યારેક ખાલી છું;
મને લૂંટે જગત છે એટલે ખુટતી હું પ્યાલી છું.
ખુદાના દર ઉપર આવ્યો થઈને હું સવાલી છું;
ભર્યા છે હાથ સૌના ને હું લાવ્યો હાથ ખાલી છું.
હતી જે જે ખુશીઓ એ બધી લૂંટી ગયા લોકો;
હવે જાહોજલાલી ક્યાં ? હવે તો પાયમાલી છું.
ગમે છે તે ય મારી પાસ આવી રોશની લે છે;
હટાવે જે બધે અંધાર એવો હું મશાલી છું.
નથી હું ચાલતો ક્યાંયે, નથી ગણતાં મને કોઈ;
વિતાવી જિંદગી એવી હું જાણે નોટ જાલી છું.
નથી હું હાથમાં આવ્યો, નથી કોઈ વધું સ્પર્શ્યા;
ક્ષણો પુરતી બધા આપે હું એવી હાથતાલી છું.
ગણાવું છું હું ઉત્સવ મોતને 'પ્રત્યક્ષ' આજે તો;
મુક્યાં ફૂલો કબર પર એટલે જાહોજલાલી છું.
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment