નાનો હતોને કેટલું માપી ગયો.
ખીણે રહીને ટોચને ચૂમી ગયો.
આંખો હતી કે આંખમાં સાગર હતો,
જેવી નજર એની મળી ડૂબી ગયો.
આ જીવતરમાં પામવું અમૃત હતું ,
હું એટલે તો ઝેર થોડું પી ગયો.
માંડી હશે કઠણાઈ મારી એટલે,
માંડ્યાં કદમ જ્યાં એક બે, ખૂપી ગયો.
આખું નગર કોલાહલે ખળભળ હતું ,
આ કોણ આવી શાંતિને સ્થાપી ગયો.
જો કર્મ સારા હોય તો સારું કહે,
બાકી કહે સારું થયું પાપી ગયો.
ગમતો ચહેરો બારણે આવ્યો ખરો,
ખોબો ભરીને અશ્રુને આપી ગયો.
'નિરાશ'
અલગોતર રતન.
No comments:
Post a Comment