ઘણું પામ્યો , ઘણું ખોઈ દીધું , કયારેક હસવામાં
હવે જે કંઈ મળે છે , એ બધું રાખું છું ગજવામાં
રસ્તો તો સાવ ટૂંકો છે, ને મંઝિલ છે બહુ નજદીક
તમે દોસ્ત , જરા મોડું કર્યું , ઘરથી નીકળવામાં
વર્ષો સુધી સહુ કરતા રહ્યા , બસ શુભની પ્રતિક્ષા
સદીઓ વિતી ગઈ છે ,જમણી આંખોના ફરકવામાં
સદા મળ્યો છે ખાલીપો મને , મારી ખુલ્લી આંખે
મળ્યા અઢળક ખજાનાઓ જરી ભીતર નિરખવામાં
ન પકડો વિત્યું તે , ને કાલની ચિંતા ય છોડીદો
મજા તો છે , ધીરે ધીરે , સમય સાથે સરકવામાં
કહે છે ગઝલ તું જેને , એ ફુલ છે આંસુ સિંચેલું
સુગંધો વિસ્તરે છે , એના ખીલવામાં ને ખરવામાં
સુધીર દત્તા
( તરહી પંક્તિ પ્રખ્યાત ગઝલકાર શ્રી મનહર મોદી ની)
No comments:
Post a Comment