'હેલ્લો...! પપ્પા....'
'બોલ ને બેટા, આમ અકળાયેલો કેમ લાગે છે ?'
'પપ્પા, મને ભૂખ લાગી છે....!’
'અરે, પણ અત્યારે તો રાત્રીના દશ થવા આવ્યા ને હજી જમ્યો નથી ?'
' પપ્પા, આજનું જમવાનું બિલકુલ ભાવે એવું નહોતું, એટલે ખાધું જ નથી. એમાંય, નાસ્તો પતી ગયો છે અને અહીં હોસ્ટેલની નજીકમાં કોઈ દુકાન કે રેસ્ટોરન્ટ પણ નથી. હવે જમ્યા વિના આખી રાત કેમની જશે ?'
મૃગેશ કંઈક કહે એ પહેલા ફોન કટ થઇ ગયો. એવામાં જ એક બિલાડી 'મ્યાઉં મ્યાઉં' કરતી આંટાફેરા કરવા લાગી. બિલાડીથી પતિને સખત નફરત છે એ જાણતી પત્નીએ તરત જ એને હાંકી કાઢવા હડી કાઢી.
મૃગેશની નજર જતાં જ એ તાડૂક્યો,' અરે, એ બિચારી ભૂખી હશે. એને કૈંક ખાવાનું નાખ.'
પત્ની પલભર તો પતિ સામે જોઈ જ રહી. ત્યાં મૃગેશ ફરી બરાડ્યો ,' અરે, આમ બાઘાની માફક શું જોયા કરે છે ? મારું થોબડું નથી જોયું ? ઉતાવળ રાખ નહિતર એ ભૂખી ને ભૂખી ચાલી જશે.'
યંત્રવત પત્ની રસોડા તરફ ભાગી પણ પતિમાં આવેલું આ પરિવર્તન તેની સમજથી પરે હતું.
- મગન 'મંગલપંથી'
No comments:
Post a Comment