પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો
વનેવન ઘૂમ્યો.
ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો
ઘૂમટો તાણ્યો.
પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી
આવી દિગનારી.
તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે
ફરી દ્વારે દ્વારે.
રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઈ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોળ્યાં
શમણાં ઢોળ્યાં.
-નિનુ મઝુમદાર
No comments:
Post a Comment