મધર્સ દે દરરોજ હોય છે.મા કેવળ ચાચરના ચોકથી કે ગબ્બરના ગોખથી જ નથી ઉતરતી પણ દરેક ઘરના દાદરા અને લિફ્ટ ઉપરથી ઉતરતી હોય છે. ઘરમાં માનું અજવાળું સહુને દેખાય છે પણ દીવાની સળગતી વાટ કોઈને દેખાતી નથી મા એ દીવાની વાટ છે એની નિયતિ માત્ર સળગવાની જ હોય છે
"ઠરતા દીવાની વાટ "
માટીના કોડીયે પડી ઠરતા દીવાની વાટ
અંતે તો ખૂબ તરફડી ઠરતા દીવાની વાટ
કાળો લિબાસ પહેરીને બેઠી છે ગોખલે
ઊભી થશે ના અબઘડી ઠરતા દીવાની વાટ
સરનામું હવે ક્યાં રહ્યું એ ઝળહળાટનું ?
અંધાર યુગમાં જઈ ચડી ઠરતા દીવાની વાટ
દીવેલ જયારે સાવ ખૂટી જાય તે પછી
જાણે મરેલી ચામડી ઠરતા દીવાની વાટ
ઘસતા રહ્યા છે હાથ આ બાકસ-દીવાસળી
સૂરજની પાસે જઈ રડી ઠરતા દીવાની વાટ
જાણે સીતાજી હોય એમ અગ્નિપરીક્ષા દઈ
પોઢી ગઈ છે બેઘડી ઠરતા દીવાની વાટ
મંદિરમાં ભાવ કોઈ એનો પૂછતાં નથી
ઈશ્વરની વાટે જઈ ચડી ઠરતા દીવાની વાટ
-અનિલ જોશી
No comments:
Post a Comment