આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ,
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ...
આ ચાકડેથી ઘટને ઉતારી વિખેરીને ,
માટી અઘાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ...
જાણું છું મારી માલમત્તા માંહ્ય છે છતાં ,
ખૂલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ...
ખાલી કડાનો કાળો કિચૂડાટ રહી જશે ,
હિંડોળા-ખાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ...
મનગમતી અહીંની ધૂળમાં ચાદર રજોટી મે ,
એ મેલી-દાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ...
તું છેતરી લે તોલમાં પણ ભાવ બે ન રાખ ,
નહીંતર હું હાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ...
સમૃધ્ધિ આ અખંડ દીવાની તને દઈ ,
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ...
- શ્રી મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment