રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે,
વિખુટી પડે રાત દિવસની જોડે, કદી સાંજ પાછળ સવારો ન આવે.
ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ગગનમાં ફરી એ સિતારો ન આવે,
બને તો તમે પણ મને જાવ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે.
મળ્યું છે જીવન આજ તોફાન ખોળે, ચહું છું દુ:ખદ અંત મારો ન આવે,
ઓ મોજાંઓ દોડો જરા જઈને રોકો, ધસે કંઈ વમળમાં કિનારો ન આવે.
મોહબ્બત પ્રથમ ધર્મ છે જીન્દગીનો, મોહબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઊતારો ન આવે.
હતું કોણ સાથે અને ક્યાં હતો હું- ન કહેજે કોઈને ભલી ચાંદની તું !
સિતારા કરે વાત ગઈ રાતની તો કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.
-ગની દહીંવાળા
No comments:
Post a Comment