એવોર્ડવાંછું કવિનું ગીત!!!
છાસ લેવા જાઉં છું ને દોણી નહી સંતાડું, મારી આ પંક્તિ છે, છાપો,
એક તો એવોર્ડ મને આપો . . .!
ચોવીસ કલ્લાક આમ હું ક્યાં ફરું છું કોઈ મોટ્ટા કવિશ્રીના વ્હેમમાં ?
"એવોર્ડ મેળવવાની કળા" એ નામવાળું પુસ્તક વાંચ્યું ને પડ્યો પ્રેમમાં.
ત્યારથી આ સ્પીડબોટ સામે ઉતાર્યો છે નાનકડો આપણો તરાપો
એક તો એવોર્ડ મને આપો . . .!!
ફંક્શનમાં હંમેશાં જઈએ ને આવીએ તે અમને પણ ભાવ થોડો થાય,
ઉઠતાં ઘોંઘાટમાંય સુરીલો કંઠ કો’ક નાનું પણ ગીત મારું ગાય;
એવું ક્યાં કહું છું કે મારાથી ચડિયાતી લીલ્લી કોઈ ડાળ તમે કાપો
એક તો એવોર્ડ મને આપો . . .!!!
ઓરીજીનલ ચંદનનું લાકડું છું; એટલે હું આવ્યો છું આપશ્રીને દ્વાર,
વર્ષોથી આમ હું ઘસાઉં છું; છતાંય એક તિલ્લકમાં આટલી કાં વાર ?
એવોર્ડ મેળવવાનું લોબિંગ કરાવવાનાં મેં ક્યાં કર્યાં છે કોઈ પાપો ?
એક તો એવોર્ડ મને આપો . . .!!!!
– કૃષ્ણ દવે
No comments:
Post a Comment