સઘળા પછી જે કૈં વધે તે શેષમાં સાહેબજી !
મેં પણ સતત શોધ્યો તને અવશેષમાં સાહેબજી !
સીધા કથનમાં કે ઉવાચું શ્લેષમાં સાહેબજી !
છે આપવીતી સર્વથા આશ્લેષમાં સાહેબજી !
ના થઈ ઠરીને ઠામ વહેતી નાડીઓની ચડ-ઉતર
એવું તે શું ઓછું પડ્યું આદેશમાં સાહેબજી !
જાહોજલાલી સાહ્યબી નવલાખ મૂકી માળવા
કોણે ગઝલ છેડી ફકીરી વેશમાં સાહેબજી !
કોરાઈ આરસમાં કદી તું ભોગ છપ્પન ભોગવે
વિલસે કદી વાસ્તવરૂપે વિશેષમાં સાહેબજી !
હું દ્રાક્ષમંડપમાં વિહરતો વાયરો, તું લહેરખી
સામે મળીને આવશું આવેશમાં સાહેબજી !
ચાલો શહેરી સભ્યતાની પાઠશાળામાં હવે
ગમતું નથી આ ગામઠી ગણવેશમાં સાહેબજી !
ઠાલા ! ગઝલને ગાળ મા દેજો, જરા સંભાળજો
એ છે ગિરાની સદ્યસ્નાતા રેશમા સાહેબજી !
(કવિતા નામે સંજીવની -2014... માંથી )
No comments:
Post a Comment