ઠુકરાવો તમે કે મને પ્યાર કરો, હું પ્રેમમાં છું;
જે કરવું હોય એ લગાતાર કરો, હું પ્રેમમાં છું.
નથી બચવાની કોઈ જ આશા, નથી નિરાશા;
હોય જો કોઈ તો સારવાર કરો, હું પ્રેમમાં છું.
નસીબમાં હતું જ ઇશકમાં પાયમાલ થવાનું;
હવે તમે તમારી દરકાર કરો, હું પ્રેમમાં છું.
ન તો રૂબરૂ થયા, ન તો સપનામાં પધાર્યા;
મારા સપનાંને તો સાકાર કરો, હું પ્રેમમાં છું.
તમારી ચાહતથી ય નથી મળતી રાહત મને;
ચાલો, આજે મીઠી તકરાર કરો, હું પ્રેમમાં છું.
નજર નચાવો અથવા નજર બચાવો, સનમ;
ડુબાવી દો આંખોમાં કે પાર કરો, હું પ્રેમમાં છું.
થતા થતા તમને પણ થઈ જશે પ્યાર એક દિ;
મારો તમે થોડો તો એતબાર કરો, હું પ્રેમમાં છું.
દીવાલો સાથે વાત કરું, હસતા હસતા હું રડું;
મારી હાલતનો જરા વિચાર કરો, હું પ્રેમમાં છું.
આ ભવમાં તો દઈ ગયા દગો નટવરને તમે;
આવતા ભવ માટે તો કરાર કરો, હું પ્રેમમાં છું.
-નટવર "સનમ"
No comments:
Post a Comment