યાદની વણઝાર એને આંગણે જોઈ હશે,
એ જ કારણથી પથારી રાતભર રોઈ હશે.
કોણ સુંવાળા ફૂલો સંબંધમાં ચાહે નહીં
જિંદગીમાં લાગણીને એટલે પ્રોઈ હશે.
પુસ્તકોથી પર થઈ કામે ચડી'તી એક કળી,
ભૂખ થી લાચાર ઘરમાં બહેન, મા, ફોઈ હશે.
કો'ક જાલિમે કરી મેલી તો એનો દોષ શું?
કેમ ચુનરીએ જ જગમાં આબરુ ખોઈ હશે?
એમ સમજીને કર્યુ કે; "કોણ જુએ છે મને"!
પણ વિચાર્યુ એ નહીં કણકણ મહીં કોઈ હશે.
કોઈ વાંચી જાય ના અંતરની પીડા એ થકી
આંખ વારંવાર સંતાડી હશે ધોઈ હશે.
- રીનલ પટેલ
No comments:
Post a Comment