ઓ પ્રભુ, તારાં પુરાવા આપવાનું બંધ કર
આમ માપી માપીને તું કાપવાનું બંધ કર
એક પણ ખૂણો હ્રદયનો તો સલામત ના રહ્યો,
તું હવે એ કાટખૂણા માપવાનું બંધ કર
માપ મારાં આ હ્રદયનાં ક્યાંય સરખા ના મળે,
ચાપ મારી,અંશ માપી, છાપવાનું બંધ કર,
છેદ એને કેન્દ્રમાંથી, લંબ રેખા ક્યાં મળે?
કોઇ અઘરી આકૃતિને સ્થાપવાનું બંધ કર,
છે ઠરેલો કોઇ લાવા,ભડ ભડે ના ભીતરે,
અગ્નિ ભારેલો તપે, તું તાપવાનું બંધ કર,
સૂર જીવનમાં કદી પણ ના મળ્યો કો' સૂર સંગ,
રાગ સૂરીલા નવાં આલાપવાનું બંધ કર,
ખેલ કેવાં તેં રચ્યા મારાં જીવન મેદાનમાં,
આપ થપ્પો,દાવ લઇ ઉથાપવાનું બંધ કર
પાનખરની સાંજમાં આ જિંદગી થાકી હવે,
શુષ્ક ડાળે પર્ણ ફૂટે? વ્યાપવાનું બંધ કર
મેં નથી જાપ્યું કદી પણ નામ તારું ઓ પ્રભુ !
નામ નિરંતર તું મારું જાપવાનું બંધ કર
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment