એક નવોઢાનું ગીત
મઘમઘતા શ્વાસોમાં ગુંજે છે ભમરાનો નાદ સખી આજ મને સાજ સજી લેવા દે (૨)
ગાંઠ મારીને પાલવને છેડલે મેં એને બાંધેલો, સખી બાંધેલો.
જમણેરા હાથે કંસાર મારી માએ પછી રાંધેલો, સખી રાંધેલો.
સાત સાત ફેરામાં સાત સાત જન્મોનો સાધ્યો સંગાથ, સખી આજ મને સાજ સજી લેવા દે.
મઘમઘતા શ્વાસોમાં ગુંજે છે ભમરાનો નાદ સખી આજ મને સાજ સજી લેવા દે.
વ્હાલપના તાંતણા છૂટ્યા રે તાતનાં ફળીયામાં, સખી ફળીયામાં
જાણીબુઝીને મારી ડૂબકી મેં તોફાની દરિયામાં, સખી દરિયામાં
ધેલી તું ગણ ભલે, રાખું છું પળપળનો રોજ્જે હિસાબ, સખી આજ મને સાજ સજી લેવા દે
મઘમઘતા શ્વાસોમાં ગુંજે છે ભમરાનો નાદ સખી આજ મને સાજ સજી લેવા દે
રાત રાત જાગીને છાતીમાં સપનાઓ વાવ્યા છે, સખી વાવ્યા છે.
છમછમતી છોકરીને નારી થવાના કોડ જાગ્યા છે, સખી જાગ્યા છે.
વહેલી પરોઢનાં આંગણામાં વાવ્યો છે છોડવો ગુલાબ, સખી આજ મને સાજ સજી લેવા દે
મઘમઘતા શ્વાસોમાં ગુંજે છે ભમરાનો નાદ સખી આજ મને સાજ સજી લેવા દે
- મંથન ડીસાકર (સુરત) ૨૪/૦૩/૨૦૧૭
No comments:
Post a Comment