કશુંક પંડિતોને જગાડીને જોયું
મેં શબ્દો ઉપર શિર પછાડીને જોયું
છતાં એની ખારાશ અમૃત ક્યાં થઇ
સમંદરને ટીપું ચખાડીને જોયું
જે તારાથી મારા સુધી આવતો'તો
પરત એ પવનને પુગાડીને જોયું
બજી ઝાલરો તોય જાગ્યું ન કોઈ
છતાં શંખ શિખરે વગાડીને જોયું
ભીતર સાવ કોરું રહ્યું સાવ કોરું
મેં પથ્થર ઉપર જળ ઉડાડીને જોયું
જરા જોયું મોહક મનોહર એ મુખડું
જરા આમ ઘૂંઘટ ઉઘાડીને જોયું
કદાપિ મળી જાય શાતા, એ મંછા
દિલોજાનથી દિલ દઝાડીને જોયું
સગી આંખને છે ઈશારાના સોગન
એના કાનમાં ધાક પાડીને જોયું
સ્વરુપ એક સરખું હતું ડાળ,પર્ણે
મેં જે વૃક્ષનું મૂળ ઉખાડીને જોયું
-ભરત ભટ્ટ
No comments:
Post a Comment