આંખોથી થાકીને ભાગેલા આંસુઓ દરિયાના પાણીમાં ન્હાય ...
એ આપણને ક્યાંથી સમજાય ?
જીવતરનો અર્થ યાને ઝોહરાના કોઠા પર સદીઓથી બાટેલાં થોથાં ,
એમ છતાં લાગણીની લિપિ ઉકેલવામાં પંડિતો ખાય રોજ ગોથાં .
મેળવવી બાકી હો ચપટી એક હૂંફ અને હૈયામાં લાગે છે લ્હાય ...
એ આપણને ક્યાંથી સમજાય ?
સપનાના રાફડાએ રેઢી મેલી છે અમે ઈચ્છાની છલકાતી તાંસળી ,
પાંસળીઓ ઊંડેથી વલવલતી જાય કહો, કેમ કરી ઉતારું કાંચળી ?
માથાફરેલ જણ સળગાવી જાત ખૂદ પોતાના રાજિયાઓ ગાય ...
એ આપણને ક્યાંથી સમજાય ?
#જોગી_જસદણવાળા