આપણે તો મલકાતાં રહીએ .
આપણે તો મલકાતાં રહીએ
જાણ્યાનો ,માણ્યાનો ,જીણું પીછાણ્યાનો અનુભવ આ ગામને શું કહીએ ?
આપણે તો મલકાતાં રહીએ .
મૂળ લગી પહોચ્યાનો , કૂંપળમાં મ્હાલ્યાનો , ઉઘડ્યાનો ઢંઢેરો પીટવો ?
નવરા તો કહેશે ઉકેલી ધ્યો ગૂંચ અને ઉપરથી દોરો પણ વીંટવો ?
વણમાંગ્યું વૈતરું આ કરવા કરતાં તો ચાલ જંગલમાં ઝરણું થઈ વહીએ.
આપણે તો મલકાતાં રહીએ .
ભીતર વરસી ગ્યા’ની, પથ્થર પીગળી ગ્યા’ની ઘટના શું છાપામાં છાપીએ ?
વગડે ઊગી ગ્યા’ની, સૂરજને પી ગ્યા’ની તમને શું સાબિતી આપીએ ?
રંગો સુગંધોના અવસર ઉજવ્યા તો હવે ખરવાનો લ્હાવો ના લહીએ ?
આપણે તો મલકાતાં રહીએ .
ઘાંઘા તો હંમેશા કરશે ઘોંઘાટ એના ઉત્તરમાં આપણે શું જાગવું ?
આપણને’ય આવડે છે અંતરના અણસારે વાંસળી બનીને ક્યારે વાગવું ?
નાનકડી સમજણની છાંયડી મળી તો આવા તડકા શું કામ હવે સહીએ ?
આપણે તો મલકાતાં રહીએ .
કૃષ્ણ દવે . તા-23-10-2015
No comments:
Post a Comment