ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, November 18, 2015

મિત્રો, નૂતનવર્ષાભીનંદન સાથે જીવાતા જીવનનો મહિમા કરતી અને વિધ્વંસક તત્વોને ચેલેન્જ આપતી એક રચના પ્રસ્તુત કરું છું . કૃષ્ણ દવે . શિલાલેખ.

મિત્રો, નૂતનવર્ષાભીનંદન સાથે જીવાતા જીવનનો મહિમા કરતી અને વિધ્વંસક તત્વોને ચેલેન્જ આપતી એક રચના પ્રસ્તુત કરું છું .                કૃષ્ણ દવે .
       
   શિલાલેખ.         
તાજીમાજી પાંપણમાંથી ટગર ટગર આ નીરખ્યા કરતી
આશને બોલો, કેમ કરીને તોડી શકશો ?...
કેમ કરીને તોડી શકશો ? પા પા પગલી ભરતા ભરતા આંગળીએ-
વળગેલા આ વિશ્વાસને બોલો, કેમ કરીને તોડી શકશો ?...

હજુ મને હમણાં આ વૃક્ષે લીલુંછમ સરનામું આપ્યું,
હજુ મને હમણાં પંખીએ એક મજાનું ગાણું આપ્યું,
હજુ મને હમણાં ઝરણાએ ખળખળખળ વ્હેવાનું આપ્યું,
હજુ મને હમણાં શબ્દોએ આ કોરુંકટ પાનું આપ્યું,
હજુ મને હમણાં જ થયેલા જીવનના અહેસાસને બોલો, કેમ કરીને તોડી શકશો ?

મા જેવી આ ધરતીને તો સરહદના ખીલાઓ ઠોકી ઠોકી તોડો !
તેમ છતાંયે આ વ્હેતા ઝરણાના જળને, લ્હેરાતા વાયુને અથવા-
હૂંફાળા આકાશને બોલો, કેમ કરીને તોડી શકશો ?

પથ્થરની પાંપણ નંખાવો કે રેતીના જંગલ વાવો,
કાં આંસુના મહોર પ્હેરી કીકીમાં વિસ્ફોટ કરાવો,
અને છતાં અકબંધ જ રહેતી સંવેદનના શિલાલેખશી- 
આંખોમાં છલકાતી આ ભીનાશને બોલો, કે કરીને તોડી શકશો ?

ક્યાંક કોડિયે ટમટમતા રહી આખ્ખેઆખ્ખી  રાત પી ગયા,
ક્યાંક હલેસાં થઇ બેઠા તો આખ્ખો ઝંઝાવાત પી ગયા,
ક્યાંક અંજલિ ભરી ઉભા તો પળમાં સમદર સાત પી ગયા,
ક્યાંક બની મુસ્કાન હોઠ પર ઘટ્ક દઈ આઘાત પી ગયા,
પછી અમારા અંતરમાંથી પ્રગટેલા અજવાસને બોલો, કેમ કરીને તોડી શકશો ?
કૃષ્ણ દવે .

No comments:

Post a Comment