ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, November 21, 2015

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.
ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.
કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.
તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.
ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.
ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.
- ખલીલ ધનતેજવી

No comments:

Post a Comment