ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Monday, March 28, 2016

નારી સંવેદના અને લોકપ્રિય સાહિત્ય (અસ્મિતાપર્વ : 15) – કાજલ ઓઝા-વૈદ્ય

એકવાર હું અશ્વિની ભટ્ટને ત્યાં ગઈ. મારે નોકરી જોઈતી હતી. તેમણે કહ્યું કે ‘કાલથી ‘સંદેશ’માં આવી જા પરંતુ એક શરત છે : હાલમાં સુનીલ ગવાસ્કર અહીં અમદાવાદમાં છે. જા…, ઈન્ટરવ્યૂ કર. જો તું ઈન્ટરવ્યૂ લઈને આવે તો તારી નોકરી પાક્કી….’ મારે કોઈ ઓળખાણ નહીં. મારા પિતા દિગંત ઓઝા તો મદદ કરે જ નહિ, એવું નક્કી જ હતું. ત્યાંથી એક યાત્રા શરૂ થઈ. એને સંઘર્ષ ગણો તો સંઘર્ષ, સર્જન ગણો તો સર્જન અને સમજદારી ગણો તો સમજદારી…. આવો એક પ્રવાસ શરૂ થયો અને આજે તમારી સામે આવીને ઊભી છું.

સવાલ છે સ્ત્રીની સંવેદના અને લોકપ્રિયતા. મારી અગાઉના વક્તા જયભાઈની વાત જ્યાંથી પૂરી થાય છે ત્યાંથી મારી વાત શરૂ થાય છે. પ્રામાણિકતા સ્ત્રીના સર્જનમાં બહુ જવલ્લે જ જોવા મળે છે. આ આક્ષેપ નથી, આ કબૂલાત છે. સૌથી પહેલાં તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ કે સ્ત્રી સર્જકો કેમ પ્રામાણિકપણે લખતા નથી ? એનું કારણ એ છે કે સ્ત્રીના તમામ લેખનમાં આત્મકથાનો ટૂકડો શોધવામાં આવે છે. મારા લેખન વિશે વાત કરું તો હું ક્યારેય કયા કોસ્મેટિક્સ વાપરવા અને કેવા સ્કર્ટ પહેરવા એ વિશે લખતી નથી. હું સાડી પહેરું છું એ મારા સ્ત્રીત્વના પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ મને ગમે છે એટલે પહેરું છું. હું Feminist નથી, હું Feminine છું અને મારે એમ જ લખવું છે. મારે સ્ત્રી પરત્વે લખવું છે. સ્ત્રીના મનની વાત લખવી છે.

બ્લેક ઍન્ડ વ્હાઈટ ટી.વી.થી શરૂ કરીને પામટોપ અને સ્લાઈડિંગ ફોન અમારી પેઢીએ જોયા છે. આ ટ્રાન્સ્ઝિશનનો સમય છે અને એ સર્જનનો શ્રેષ્ઠ સમય પુરવાર થયો છે. મને તો ખરેખર એમ હતું કે બહુ કોમ્પિટિશન મળશે પરંતુ હકીકતે એમ નથી થયું. હું લોકપ્રિય છું કારણ કે મારી સાથે દોડમાં કોઈ છે જ નહિ ! હું એકલી જ દોડું છું. એવા લોકપ્રિય સર્જકો જ મારી સાથે ક્યાં છે, જેની સાથે ઊભા રહીને મારે મારી જાતને સાબિત કરવાની હોય ? ચારમાંથી કયું પુસ્તક ખરીદવું એમ જ્યારે નક્કી કરવાનું હોય અને વાચક તમારું પુસ્તક ખરીદે તો તમે લોકપ્રિય છો એમ કહી શકાય. હું કોલમ નથી. હું નવલકથાકાર છું, મારી રીતે અને મારી જગ્યાએ… હું ટેલિવિઝન છું અને એટલે જ તો તમારા ઘરમાં ઘૂસી જાઉં છું અને તમારે મને જોવી જ પડે છે. ‘મોટીબા’ હોય કે ‘એક ડાળના પંખી’ હોય કે ગમે તે. ‘ચિત્રલેખા’ સાથે હું મફત આવું છું ! એવા આ સમયમાં વાચક ક્યાંક થોડું વાંચીને જો બીજા પ્રકરણની રાહ જોતો થાય છે તો મેં ક્યાંક કશું કર્યું છે એવું મને માનવાની છૂટ છે.

હું એ ગૃહિણી માટે લખું છું જે દિવસનું કામ પરવારીને નિરાંતે પોતાનું રસોડું આટોપીને સહેજ તડકો આવતો હોય ત્યાં સોફા પર પગ લંબાવી ‘મધુરિમા’ ખોલે છે અથવા તો ‘ચિત્રલેખા’ ખોલે છે. હું કોઈ જ્ઞાનની વાતો લખવામાં વિશ્વાસ કરતી જ નથી અને હું કોઈ જ્ઞાન આપવા માંગતી નથી કારણ કે મારી પાસે છે જ નહિ. મારે સિમ્પલ લખવું છે. ‘મળ્યું’ એમ શબ્દ લખવાથી ચાલે તો ‘પ્રાપ્ત’ થયું એવો શબ્દ નહીં લખું. મારે સાદુ લખવું છે. મારે એવા લોકો માટે લખવું છે જે લોકો ખરેખર ગુજરાતી વાંચે છે, વાંચવા માંગે છે અને વાંચતા રહેવા માંગે છે. મારો પુરુષવાચક એ છે કે જેણે ઘણું કહેવું છે. જેની પત્નીએ એના પર વર્ષો સુધી દાદાગીરી કરી છે એવા ભય હેઠળ એણે પત્નીને સહન કરી છે કારણ કે જો એ જતી રહેશે અથવા અમુક રીતે વર્તશે તો મારા માબાપનું ધ્યાન કોણ રાખશે ? છોકરા મોટા થઈ ગયા છે એટલે તાયફો નથી કરવો – આ મારો પુરુષવાચક છે. મને કોઈ સુફીયાણી કથાઓ કરવામાં રસ નથી અને હું એમ માનું છું કે આ લખાણ, અગાઉ જયભાઈએ કહ્યું એમ, સીધું દિલથી આવે છે અને દિલ સુધી પહોંચી જાય છે. હું કોઈ આડંબર હેઠળ લખતી નથી. હું જે વિચારું છું, જે માનું છું, એવું જ લખું છું અને એવું જ જીવવાનો પ્રયત્ન કરું છું.

મને હમણાં જ એક દિવસ કોઈક કાર્યક્રમમાં એક જણે પૂછેલું કે ‘બેન, તમે આ બધું લખો છો એ તમારા વર વાંચે છે ખરા ?’ ત્યારે ખરેખર મેં મારા પતિ સંજયને ઘરે જઈને પૂછ્યું કે ‘આ જે બધું હું લખું છું એ તું વાંચે છે ?’ એટલે એણે કહ્યું કે ‘શેમાં લખે છે તું ?’ આ સત્ય છે અને આ વાક્ય ‘શેમાં લખે છે તું ?’ એ સ્ત્રીની સંવેદના છે. એણે પોતાનું સર્જન બે રસોઈની વચ્ચે, પતિ જાય પછી, છોકરાઓ પોતાની સ્કૂલે જતાં રહે અને એ લોકો પાછા આવે એની વચ્ચે કરી નાખવાનું હોય છે ! એના સર્જનનો ફક્ત આટલો જ સમય છે ! એમાં વચ્ચે કુરિયરવાળો આવે, એકાદ-બે ફોન આવે, અચાનક બે વણબોલાવેલા મહેમાનો આવે જે કદાચ જમીને જવાના હોય છે ! આની વચ્ચે સ્ત્રીએ લખવાનું છે… હું બહુ જ સદભાગી છું કે મારી પાસે પોતાની ઓફિસ છે. હું જુદા પ્રકારની લાઈફસ્ટાઈલમાં જીવું છું પણ આવું નસીબ દરેક સ્ત્રી સર્જકનું નથી. માટે જ, સ્ત્રીની સંવેદના જુદા અવાજ સાથે બહાર આવે છે. આ પીડાનો વિદ્રોહ છે કે વિદ્રોહની પીડા છે ત્યાંથી જ આ સવાલ શરૂ થાય છે.

સ્ત્રીની સ્વતંત્રતા એ એક અદ્દભુત કલ્પના છે પણ જ્યારે સ્ત્રી હાથ લંબાવીને પોતાની સ્વતંત્રતા માંગે છે ત્યારે એમાં આત્મક [Read Full Article at Read Gujarati]

No comments:

Post a Comment