તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !
ફાગણમાં શ્રાવણના જલને ઝીલી લ્યો અણધાર્યા !
અમને એમ હતું કે તમને
વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,
તમને એવી જિદ કે વનનો છોડ થઇને રહેશું;
તમને કૈંક થવાના કોડ,
અમને વ્હાલી લાગે સોડ;
જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,
તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !
અમને એમ હતું કે સાજન !
કલકલ ને કલ્લોલ ઝરે એ વ્હેણ થઇને વ્હેશું,
તમને એક અબળખાઃ એકલ કાંઠો થઇને રહેશું;
તમારાં અળગાં અળગાં વ્હેણ,
અમારાં એક થવાનાં ક્હેણ;
એકલશૂરા નાથ ! અમે તો પળે પળે સંભાર્યા;
તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !
– સુરેશ દલાલ
No comments:
Post a Comment