બોલાયજ નહી
જગત ભર્યું છે વિદ્વાનોથી, કોઈને કંઈ ક્હેવાયજ નહી
બોલાયજ નહી
અંતરીક્ષ ને વિશ્વ-યુધ્ધની ચર્ચામાં એ વ્યસ્ત જ રહેતા
પોતે સૌથી વિશિષ્ટ છે એવા ભ્રમના સાગરમાં વ્હેતા
કાયમ આછું સ્મીત કરે પણ બાળક જેવું હરખાયજ નહી
કૈંક ઉકાળીને આવેને આવી પાછા સૂચન માંગે
તમે કહો જો ભોળા ભાવે બે શબ્દો, તો મરચાં લાગે
એ જે બાજું ઉભા હોય એ તરફ કદીયે ફરકાયજ નહી
ગરદન ઝૂકી જાય એટલી જાડી ચેનો પ્હેરી ફરતા
ટૂંકી દ્રષ્ટિ વાળા લાંબી-લાંબી ગાડી લઈ રખડતા
સાચું કહું ને તો આપણાંથી સાલું હસવું રોકાયજ નહી
તમને સીધી રીતે પ્હોંચે ના તો એ દુઃખતી નસ પકડે
પછી તમારી નબળી ક્ષણની સાંકળથી એ તમને જકડે
એમની સાથે બાખડવાનું આપણને ભઇ પોષાયજ નહી
-ભાવેશ ભટ્
No comments:
Post a Comment