છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે,
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે.
આંખની તો વાત ના પૂછો કે એને શું થયું,.
દ્ર્શ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
બાધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી,
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી,
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
આ ગલીમાં, ઓ ગલીમાં આ ઘરે, ઓ મેડીએ,
જીવ વહેરાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં-
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું રમેશ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.
– રમેશ પારેખ
No comments:
Post a Comment