શબ્દના બંધાણ અમને કેટલા નડતા રહ્યા,
સાત મજલા રાતદિન સીડી વગર ચડતા રહ્યા.
---- ચિનુ મોદી
________________________________________________
જીવતા તો હાથ ના દીધો કદી;
ઊંચકી એ લઇ ગયા 'કૈલાસ'ને !!
– 'કૈલાસ' પંડિત
________________________________________________
આવી વિષમ દશાનું નિવારણ કરો કોઈ
ફૂલોની ગોદમાં મને શબનમનો ત્રાસ છે
'નૂર'પોરબંદરી
________________________________________________
હતી એકસરખી જ હાલત અમારી
મળી ઘર વગરની મને એક બારી
ભણેલી-ગણેલી મળે લાગણીઓ
ન સમજી શકે કૈં અભણ આંખ મારી.
ભાવેશ ભટ્ટ
________________________________________________
સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની *દશા* થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે
-આસિમ રાંદેરી
________________________________________________
ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.
ગની દહીવાલા
________________________________________________
ફકીરી હાલ જાણી ને અમારા હાલ ના પુછો
પ્રણયના નામની અમને બહુ જુની બિમારી છે
ગફુલ રબારી"ચાતક"
________________________________________________
તકલીફ શરૂઆતમાં થોડીક પડે પણ
મારાથી કબર મારી આ ટેવાઈ જવાની
-હર્ષ બ્રહ્મભટ્ટ
________________________________________________
એક વર્તુળના પ્રવાસી આપણે
આજ છે આરંભ ને આ અંત છે
-ઉર્વીશ વસાવડા
________________________________________________
મારા જીવનનો આરંભ એવા ઢંગથી થયો,
એટલે તો અંત એનો ખરા જંગથી થયો.
- મુકેશ દવે
________________________________________________
માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુંબંધ પાછો નીકળ્યો.
સાંજ પડતાયે ફર્યું ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.
- ધૂની માંડલિયા
________________________________________________
મત્સ્ય વીંધાયું હતું કે કર્ણ વીંધાયો હતો,
યુદ્ધનો પ્રારંભ એ ક્ષણથી મંડાયો હતો.
ગોપાલ શાસ્ત્રી
________________________________________________
સુખ માટેની શોધ,એ દુઃખનું કારણ છે,
સીધી છે વાત ;ઝેર -ઝેરનું મારણ છે.
કાન્ત
________________________________________________
લીલવો આવકાર ક્યાં શોધું,
શુષ્ક લાગે છે દ્વાર દ્વાર મને.
બે'ક નિ:શ્વાસ કોઇના ઝીલું,
એમ પૃથ્વી ઉપર પથાર મને.
- હરજીવન દાફડા
________________________________________________
ખાલીપાથી ખખડેલો છુ.
હું બંધ મકાનનો ડેલો છુ.
ખુદને શોધવાની પાછળ હું,
બહુ જગ્યાએ ભટકેલો છુ
~સુધીર દત્તા
________________________________________________
દર્પણમાં ક્યાંક ગુમ થઈ છે રમેશતા,
શોધ્યા કરું છું શ્વાનની પેઠે ફરારને.
~ર.પા.
________________________________________________
સૌની ભીતર પડ્યો હોય છે
એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને
ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
– અનિલ ચાવડા
________________________________________________
દેખ અજવાશમાં બકોરું છે,
શોધ કઈ બાજુ મીણ ઓછું છે.!
-સ્નેહી પરમાર
_______________________________________________
જળ બધું એઠું કરી નાંખ્યું હતું,
શોધવા જાઓ તો માછલીઓ હશે !
- ભરત વિંઝુડા
________________________________________________
તું મને ગુપ્તવાસમાં લઈ જા !
ખોઈ નાંખી છે ક્યાંક જન્નત મેં
શોધવી છે, તપાસમાં લઈ જા !
-ભરત વિંઝુડા
(Special thanks to Dipak Bagdad)