સ્પર્શ આ કેવો થયો કે ટેરવાં ધ્રૂજી ગયાં,
કમકમાટી હોઠથી હૈયા સુધી મૂકી ગયા.
ડાળ ઈચ્છાની કહો, કોણે હલાવી’તી અહીં
બીકના માર્યા, શરમનાં પંખીઓ ઊડી ગયાં.
ખૂલવાનાં જે હતાં નહિ, દ્વારની જેમ જ કદી,
આયના સામે ઊભા તો આજ એ ખૂલી ગયા.
સ્વપ્ન પણ કેવું સરસ આવ્યું હતું તારા વિશે,
આજ મારી આંગળી પકડી અને ઝૂલી ગયા
એ બિચારાને કિનારો ના મળ્યો ક્યારેય પણ,
જે કદી તારી સમંદર-આંખમાં ડૂબી ગયા.
- હરેશ સોંદરવા
(મુ. પીપરડી, તા. લોધીકા, જિ. રાજકોટ)