પોતડી ,ચશ્માં અને એક લાકડી
જે હજારો તોપને ભારે પડી !
સત્યને સ્હેવો પડ્યો'તો રંગભેદ !
લાલપીળી થઈ ઉઠી'તી એ ઘડી
છાપ આખા વિશ્વ પર પાડી ગઈ !
દાંડી યાત્રાએ ગયેલી ચાખડી .
પાંચ ફૂટની સાદગી શું વિસ્તરી ?
આખી આ દુનિયા પડી ગઈ સાંકડી !
અંધ-શ્રધ્ધાથી ગુલામી દૂર થઈ
બાંધી'તી વિશ્વાસની નાડાછડી !
રેંટીયામાં કાળને કાંતી લીધો !
કાળને એની સમજ પણ ના પડી
ઘરના બે ટુકડા થયા,સળગ્યા પછી
બંધ આંખોમાં અહિંસા તરફડી
મોક્ષને પામી ત્રણેત્રણ ગોળીઓ !
ચામડીના તીર્થમાં એ જઈ ચડી !
-ભાવેશ ભટ્ટ
No comments:
Post a Comment