સાંજે હીંચકો ખાલી ન રહે
આખી સાંજ હીંચકો ઝૂલ્યા કરે
બાપાને આવતાં જુએ કે
બાજુમાંથી ખસી પત્ની ઘરમાં વળે
ધીમેકથી બાપા ગોઠવાય બાજુમાં
વાતો અને હીંચકો ધીરે ધીરે ચગે.
બાપા ઘણીવાર ટોકેઃ
આમ હીંચકા ખાતો વાંચતો ન હો તો,
આંખો વહેલી બગડશે.
ચશ્મા તો આવ્યા જ.
એક સાંજે બાપા ચશ્મા, દાંતનું ચોગઠું ને
લાકડી મૂકી બહુ આઘેરાક નીકળી ગયા…
હીંચકાને એક ઠેલે વીતે મહિનો
બીજે ઠેલે વળે વરસ, વરસો.
હીંચકામાં ઉમેરાયો દીકરાના પગનો ઠેલો
આપણે પગ વાળી નિરાંતમાં ઝૂલીએ…
હમણાંથી દીકરાને હીંચતો મેલી હુંય
સાંજે સાંજે ચાલવાને રવાડે ચડ્યો છું…
– રમણીક અગ્રાવત
No comments:
Post a Comment