રણ…!!
તારી આંખોમાં
મને દેખાય છે એક રણ, ભીનું રણ…
રોજ રાત્રે
તારી આંખોમાં છેક ઉંડે હાથ નાંખી
થોડી રેતી ઉછીની લઇ
એમાંથી ઘડી નાંખું સપનાં,
પછી એ ભીનાં સપનાંઓને પકાવવા મૂકી દઉં
મારા ગરમ શ્વાસોની વચ્ચે…
ગઇકાલે રાત્રે
મારા નામની પાછળ તારું નામ લખીને
સહીં કરી
ત્યારે આંખોમાં ઉમટી આવેલાં વંટોળમાં
તારી પાસે ઉછીની લીધેલી બધી રેતી ખરી ગઇ..
મારાં ગરમ શ્વાસની વચ્ચે પકાવવા મૂકેલું
‘છૂટકારા’નું તારું સપનું
હવે પાકી ગયું છે…
ચેક કરી લે,
તારી આંખોનું રણ હવે ભીનું નહીં રહ્યું હોય…!!
-એષા દાદાવાળા
No comments:
Post a Comment