ઓણુંકા વરસાદે ફાલી છે ખૂબ, કૈંક કરવું પડશે આ તારા ઝેરનું રે લોલ...
ઇચ્છાબાઈ! આટલામાં સમજે તો ઠીક, મારું દાતરડું સવ્વા બશેરનું રે લોલ...
મધરાતે ઘમ ઘમ ઘમ ઘમ વાગ્યાં કરે છે પેલી ભોંયે ભંડારેલી ઘુઘરી રે લોલ...
કાલાધબ અંધારે અટવાતી કૂટાતી મનમાં બાંધે છે માળો સુઘરી રે લોલ...
પોથીની આડશમાં છુપેલી ઓઘરાળી ચપટી સમજણના અમે વાણિયા રે લોલ...
ગાંઠે બાંધેલું ગરથ ખર્ચી શકાય એવો રસ્તો દેખાડ વ્હાલા પ્રાણિયા રે લોલ...
તલભારે મૅલ એમાં દેખાશે નહીં ભલે ઊંધા થઈ લાખ મથે ધોબીયા રે લોલ...
ઝીણેરા ચાંદરણા પાડવાને કાજ અમે સાત સાત ભવથી છીએ જોગીયા રે લોલ...
- જોગી જસદણવાળા