સવારે સૂર્ય તો ઊગ્યો હતો !
મેં આંખ ચોળી ભીંત પર જોયું :
તમારા ચિત્ર નીચે
કાલનો દિવસ હતો !
દાયકાઓ વીતતાં શી વાર ?
પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે !
જેમાં,
તમારા શ્વાસની
છેલ્લી ગતિ કંપી હશે ! –
તમને નહીં ,
એ – એક ક્ષણને
કેટલું વીત્યું હશે ;
જેમાં, તમારા શ્વાસની
છેલ્લી ગતિ કંપી હશે !
એ સાંજ પણ
ક્યાંથી હવે પાછી ફરે ક્યારેય –
જેણે એક સાથે
સૂર્ય બબ્બે આથમ્યા જોયા હશે !…
બીજી સવારે સૂર્યમાં
એ સાંજનું એકાદ આંસુ
સ્તબ્ધ થઈ ઊગ્યું હશે …
ને એ પછી ?
ને એ પછી ?
ને એ પછી ?
દાયકાઓ વીતતાં શી વાર?
– માધવ રામાનુજ
No comments:
Post a Comment