ધીમે ધીમે ઝળહળ ખુલે
ફુલો પરથી , ઝાકળ ખુલે
સ્મિત સભર કળીઓ ખુલતી
તાજી તાજી , કુંપળ ખુલે
બુંદે બુંદે , ટપકે સંગીત
પાંદડીએ પડતુ , જળ ખુલે
કિરણોના , કંકુ છંટાયા
કેસરીયાળુ , અંજળ ખુલે
આળસ મરડી , પવન ઉઠે ને
સુગંધોની , સાંકળ ખુલે
પાંપણ ખુલે , પાંખડીઓની
જાણે સપનાની , સળ ખુલે
ડાળી ,થડ ,પર્ણો ,પુષ્પ, લત્તા,
વેલી , મંજરી ને ફળ ખુલે
ના કોઇ દંભ કરે , ખુલવાનો
સહજ,સીધુ ,સાદુ,સરળ ખુલે
પૂર્ણતાનો , ભાવ ભરીને
આખોયે બાગ , સકળ ખુલે
-સુધીર દત્તા
No comments:
Post a Comment