ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Sunday, November 26, 2017

નૈષધ મકવાણા - (જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભરુચ).... માણો એમની રચનાઓ


ગઝલ.

સાવ અમસ્તી વાતમાં વાંકું પડ્યું,
જે  ન'તું   ધાર્યું  હવે સાચું પડયું .

ને પછી ટોળે વળી ઇચ્છા બધી,
દ્દશ્ય જે  સાચું હતું  ઝાંખું પડ્યું.

મેં પછી અટકળ બધી ભેગી કરી,
માપ અટકળનું ય ત્યાં ત્રાંસુ પડયું.

શું કરું સમજણ કશે વિસરાઇ ગઇ,
શુષ્ક આંખોથી પછી આંસુ પડયું.

મેં ય  મારી જાતને  માંજી  સતત,
તો ય જાણે પીઠ પર લાખું પડ્યું.

વાત વણસે  ને  પછી  વંકાય તો,
પ્રશ્ન છે ને  આયખું  આખું પડ્યું .

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
      
    ગઝલ   !!

સ્નેહનું  સગપણ  હશે તો  ચાલશે ,
દર્દનું     મારણ   હશે  તો  ચાલશે .

મેં  કશી આશા નથી  રાખી  છતાં,
બે'ક મીઠી  ક્ષણ  હશે તો ચાલશે .

તું અગર મળવા ચહે તો આવજે,
કાંઈ પણ કારણ હશે તો ચાલશે.

ફક્ત  જો  હુંકાર  તારો હોય તો ,
રાત,આંધી, રણ હશે તો ચાલશે.

સોળ આ શણગાર કયાંથી લાવવા?
આંખમાં આંજણ  હશે તો ચાલશે.

ને  કદી  તારી  વ્યથાના  બોજ પર ,
સત્યનું  દર્પણ   હશે  તો  ચાલશે .

વેદના  વરસી  પરસ્પર  હોય તો ,
જીભ પર ગળપણ હશે તો ચાલશે .

જિંદગીની  ભીડમાં  થાકયા વગર,
અંતમાં   સમરણ  હશે તો ચાલશે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖   

   

કહેવાનું નથી.

આ સમયનું  વ્હેણ ટકવાનું  નથી,
કષ્ટ છે  તો  એય  રહેવાનું  નથી .

બસ હવે  ખુદનો ભરોસો રાખજે,
સત્ય છે  તો  લેશ  ડરવાનું  નથી .

હોય ગૂંચવણ તો પછી ઉકેલ કર,
અધવચ્ચેથી આમ ખસવાનું નથી.

જાતનો  શણગાર પોતે છે  સ્વયં,
અન્યના રંગોથી  સજવાનું  નથી.

જે  મળી આવે સફર  સંગાથમાં,
કોઇ ને પણ કયાંય નડવાનું નથી.

એ મળે અંજળવગર તો કયાં મળે?
યત્નથી  તો  કોઇ  મળવાનું નથી.

લો  બધી અટકળ તજી ચાલું હવે ,
ને વધુ  તો  કંઈ જ  કહેવાનું  નથી.

 ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 


વધારે કંઈ નથી.

જિંદગી  ફંફોળવાની છે  વધારે કંઈ નથી .
જાતને  ઢંઢોળવાની  છે  વધારે કંઈ નથી .

આ ધરમ ને આ કરમની પોટલી ખડકી અહીં,
સત્યથી એ તોળવાની છે વધારે કંઈ નથી.

લોભલાલચ મોહ માયા ને અહંની આ રમત,
આ રમત રગદોળવાની છે વધારે કંઈ નથી.

આ સફરમાં ઝેર કે અમૃત મળે તે પી જવા,
એ પવાલી  ઘોળવાની છે વધારે કંઈ નથી .

ને ખરેખર આ કિનારા પર નહીં મોતી મળે.
ઠેઠ તળિયે બોળવાની છે  વધારે કંઈ નથી .

શ્વાસની પીંછી રહી ના જાય કોરીકટ પછી,
રંગમાં  ઝબકોળવાની છે  વધારે કંઈ નથી .

નાદનો આ લય અહો આનંદ ભીતર ઝણઝણે ,
બેઘડી  હિલ્લોળવાની છે  વધારે કંઈ નથી .

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
                             
ગઝલ........

જિંદગી લે  શ્વાસમાં  ધારું તને,
તું  હૃદયની  પ્યાસ  પોકારું તને .

ને યુગોથી તું સતત ધબકયા કરે,
લે હવે કણ કણમાં વિસ્તારું તને.

લઇ  હથોડી-ટાંકણુ  બેસું જરા,
જો પછી  અવકાશે  કંડારુ તને.

દર્દ, પીડા,  વેદના  છલકાય  તો,
હળવે હાથે  પીઠ પસવારું તને .

શબ્દ છે તો  શબ્દની સંગત કરું ,
ખેલ તારો  દાવ  પડકારું  તને !

મૌન દ્વારા તું બધું  સમજે પછી,
શું કહું ત્યાં સાવ  પરબારું તને?

આ વિષાદી પ્હાડ ઓઞળતો કરું
આશ ને ઉલ્લાસ ઓવારુ તને !

આ બચેલી ક્ષણ હવે શણગારવા,
પ્યાર લઇને આવ શણગારું તને !

- નૈષધ મકવાણા.

તરહી મિસ્રા.ભરત ભટ્ટ.

Tuesday, November 7, 2017

આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે, બારણાં બોલેઃ ‘પધારો’, ઘર મને એવું ગમે...

આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે,
બારણાં બોલેઃ ‘પધારો’, ઘર મને એવું ગમે.

હો પગરખાંનો પથારો, ઘર મને એવું ગમે,
હોય જે ઘરને ઘસારો, ઘર મને એવું ગમે.

કાયમી જ્યાં છમ્મલીલાં લાગણીનાં ઝાડ હો,
કાયમી જ્યાં હો બહારો, ઘર મને એવું ગમે.

નીંદની ચાદર હટાવે, ઝાડવાંના કલરવો,
હો સુગંધી જ્યાં સવારો, ઘર મને એવું ગમે.

જે ઘરે લાગે અજાણ્યાનેય પણ પોતાપણું,
લોક ચાહે જ્યાં ઉતારો, ઘર મને એવું ગમે.

થાકનો ભારો ઉતારે, કોઈ આવી ડેલીએ,
સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે.

મંદીરો જેવું પરમ સુખ, સાંપડે જ્યાં જીવને,
જ્યાં રહે ચડતો સીતારો, ઘર મને એવું ગમે....


(ફરમાઈસ - દિપક બગડા )

Sunday, November 5, 2017

હવાની મ્હેક ભીની યાદ આવી ને ફરી જોયું - મુકેશ જોગી "પાગલ'

ઉગીને આથમી જોયું,વળી પાછુ ઉગી જોયું
છુપાવી સૂર્ય ભીતર સૂર્ય ના જેવું બળી જોયું

મજા ઉંચાઇ ની હરરોજ માણી છે અમે કિન્તુ
પતનની જાણવા પીડા સિતારા થઈ ખરી જોયું

બધા સાગર નો મદ ઉતરી ગયો પળવાર માં ત્યારે
બનાવી નાવ કાગળની અમે જયારે તરી જોયું

રહ્યાં અક્ષર એ કોરાંકટ અને પથ્થર ગયાં પલળી
પરાયું નામ એનાં નામ પર જયાં કોતરી જોયું

નથી બદલાવ મારામાં,નથી બદલાવ તારામાં
અતીતોનું સુવાસિત એક પાનું સેરવી જોયું

લખું સારાંશ શું,આ જીવતર જીવી જવાયું છે
ગુમાવ્યું કેટલું તો , કેટલું મેં મેળવી જોયું

હવે પાછુ વળી જોવાનું મન "જોગી"નથી થાતું
હવાની મ્હેક ભીની યાદ આવી ને ફરી જોયું
-  મુકેશ જોગી "પાગલ'

Saturday, November 4, 2017

Dedicated Someone Special by - મિત્ર રાઠોડ

નઝમ
.
કેવી લાગી મને એમની આ અસર
આવે સપના મને એમના રાત ભર
.
જેને ચાહી છે મેં, જેને માંગી છે મેં,
ને પરીઓથી પણ પ્યારી લાગે છે જે.
ચંદ્રની ચાંદની જેવી છે દિલરૂબા,
જોઉં છું ફક્ત એનેજ હું રાત ભર.
.
કેવી લાગી મને એમની આ અસર.
આવે સપના મને એમના રાત ભર.
.
હાથ અડતા જ મારો એ શરમાઈ ગઈ,
મેં કર્યું એક ચુંબન એ ગભરાઈ ગઈ.
આંખ એવી અદાથી ઝુકાવી છે કે,
થઈ ગયો છું નજરકેદ હું રાત ભર.
.
કેવી લાગી મને એમની આ અસર.
આવે સપના મને એમના રાત ભર.
.
એ વિચારોની દુનિયા હકીકત બની,
ને હકીકતમાં એ મારી પાસે હતી.
આવે દુલહન બની મિત્ર એ સાથમાં,
એમને બસ કરું પ્રેમ હું રાત ભર.
.
કેવી લાગી મને એમની આ અસર,
આવે સપના મને એમના રાત ભર.
- મિત્ર રાઠોડ

ત્રણેક વર્ષ પહેલાં લખાયેલ એક ગઝલ - જોગી જસદણવાળા

ફૂલગુલાબી શમણાં વચ્ચે ઊભેલો છું,
જીવ-જગતની ભ્રમણાં વચ્ચે ઊભેલો છું.

હા ને નાનું મફલર એવું વીંટાયું છે -
આજે-કાલે-હમણાં વચ્ચે ઊભેલો છું.

તું, હું, તે કે પેલું સાચું? કોને કહેવું ?
જગજૂની વિટમણાં વચ્ચે ઊભેલો છું.

ક્યારે, ક્યાંથી ઊડતું આવી બાંધી લેશે ?
જમરાજાના જમણાં વચ્ચે ઊભેલો છું.

ઊંઘું, જાગું, ચોળું, ચાખું, તથ્યો તાગું?
ઊગમણાં-આથમણાં વચ્ચે ઊભેલો છું.

- જોગી જસદણવાળા