આમેય છેતરે છે જગતમાં બધા મને,
આપ્યા કરો તમેય ભલે વાયદા મને…
લાગ્યાં જગતનાં લોક સુખી માનવા મને,
આવી રહી છે એમ દુઃખોની મજા મને…
જીવનનું કેમ કાંઇ મને ભાન પણ નથી?
આ કોણ ક્યાંથી પાઇ રહ્યું છે સુરા મને?
હાજર તમે છો એટલે બેસી રહ્યો છું હું,
ગમતી નથી નહી તો તમારી સભા મને…
પરદા ઉપર નિસાર છે દર્શનની ઝંખના,
જોયાં નહીં મેં કિન્તુ એ જોતાં રહ્યાં મને…
રુંધે છે મારો માર્ગ, સિતમની સીમા જુઓ,
દેતા નથી જે સ્થિર થવાની જગા મને…
માંગુ જો એની પાસ, બધાં સુખ મને મળે,
દુઃખ એ જ છે કે ભૂલી ગયો છે ખુદા મને…
એ સારું છે કે વાત નથી એના હાથની,
દુશ્મન નહીં તો માગવા ન દે દુઆ મને…
બેફામ શ્વાસ અટકી ગયો તેથી શું થયું?
માફક ક્યાં આવતી હતી જગતની હવા મને…
- બરકત વિરાણી ‘બેફામ’
No comments:
Post a Comment