મનોજની લેખણી જાદૂ કરે છે,
સતત કાગળ ઉપર કંકુ ખરે છે.
નજર મારી હવે જ્યાં જ્યાં ઠરે છે,
કલાપીની કવિતાઓ તરે છે.
ગની સૌ મોહ માયાથી પરે છે.
એનાં ચૌદે ભૂવન એનાં ઘરે છે.
અનિલની હાંક પડતાં થરથરે છે,
શરદ, વિજળી અને સૂરજ ડરે છે.
કબર પર જઇને સૌ ફૂલો ધરે છે,
કે જ્યાં બેફામ શાં શાયર મરે છે.
ઉભા છે ઉંબરે શયદા હજુ પણ,
નયનમાંથી પ્રતિક્ષાઓ ઝરે છે.
હરણ શોધી રહ્યા છે ઝાંઝવાને,
ર.પા. ની પેનમાં જઇને ફરે છે.
બદલશો તો ઉડી જાશે અચાનક,
નયનનાં સર્વ શમણાં ચાદરે છે.
કોઇ આદિલ ભીની માટીનો દરિયો,
સુગંધી કહી અને શ્વાસે ભરે છે.
ઉડે છે યાદનાં પરફ્યુમ અવિરત,
અદમ ડનલોપમાં સપને સરે છે.
હજુ તાપી કિનારે જઇ જૂઓ તો,
આસીમ - લીલાની યાદો પાંગરે છે.
-જય દાવડા
No comments:
Post a Comment