આવ જો બે ચાર ક્ષણ તો ખુબ લડવું છે તને
તું અડી લે સ્હેજ તો મારેય અડવું છે તને
જેમ મારામાં રહી પ્રત્યેક ક્ષણ છે તું નડી
એમ મારામાં રહી મારેય નડવું છે તને
- નારાજ
મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે - રમેશ પારેખ
ભીનપવરણો આવ્યો અવસર, મેઘ-મુબારક !
ભીંજવતો એ બાહર-ભીતર, મેઘ-મુબારક !
છાંટો પડતાં એક સામટા મ્હોરી ઊઠ્યાં,
ડેલી, આંગણ ને આખું ઘર, મેઘ-મુબારક !
કાલ હતાં જે સાવ સૂના ને અવાવરું એ ,
જીવતાં થાશે હમણાં પાદર, મેઘ-મુબારક !
નખરાળી નદીયું ઉભરાતી પૂર આવતાં,
અંદર પણ ઊછળતાં સમદર, મેઘ-મુબારક !
ગોરંભાતું આભ ઊતરતું આખેઆખું,
છલકાતાં હૈયાનાં સરવર, મેઘ-મુબારક !
મનના મોર કરે છે નર્તન ટહુકા સાથે ,
જળના વાગે ઝીણાં ઝાંઝર, મેઘ-મુબારક !
વીજ અને વરસાદ વીંઝતાં તલવારો ને –
બુઠ્ઠાં બનતાં સઘળાં બખ્તર, મેઘ-મુબારક !
મોલ પછી લહેરાશે એમાં અઢળક અઢળક,
પલળે છે આખુંયે જીવતર, મેઘ-મુબારક !
કોઈ અગોચર ખૂણે બેસી કાન માંડીએ,
વાગે ઝીણું ઝીણું જંતર, મેઘ-મુબારક !
ડાળી થૈ ઝૂકો, હું ઊઘડું ફૂલ થઈને –
સાથે કરીએ હિસાબ સરભર, મેઘ-મુબારક !
– નીતિન વડગામા
જિંદગીમાં ક્યાં સહારા હોય છે?
રોજ સંબંધો બિચારા હોય છે.
એટલે જોવી ગમે છે છોકરી,
આંખમાં નૂતન ઈશારા હોય છે.
આશિકોની વાત શું જાણે જગત,
ચાહમાં છૂપા ધખારા હોય છે.
એ ગમે ત્યારે કહી દે મીસ યુ,
આ દિલે એના ઇજારા હોય છે.
યાદ છે 'આભાસ'ને જખ્મો સદા,
જીવવાના એ સહારા હોય છે.
-આભાસ
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે;
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે.
- રમેશ પારેખ
હેમ છે...!
આમ તો..!
એમ છે..!
કોઈને કે'વાના સમ વેણ છે
લાંબી-લાંબી રાતો અને
તરતાં તારલાં જેમ છે તે....
હતા કે નોતા કેનારા જન-જન ઘેર છે...!
વળાંકે ચડતાં જળ ઝેર છે?
તણખાં દાવાનળનાં ભડકે જાણે..
અગ્નિ સામે જળ-જળ વેમ છે
સાંકળે બાંધેલાં નાગ અને
સામ -સામે વેણ છે
જુઓ તો ખરા...
વાતનું વતેસર જાણે
ખરતાં તારાનું આકાશ..!
જેમ-તેમ છે
આડો ઊગેલો સૂરજ અને
ચંદ્રનાં તેજમાં પણ એમ છે?
દિવસ અને અંધારા વચ્ચે
ફરક માત્ર કેમ છે?
બાકી અનોખા તડકાનો પડછાયો હાથે કરેલો તેમ છે...
આપણી વાતો આપણી!
જાણે બીજાની કેમ છે?
સમજાતું નથી આ દુનિયાનું..!
ફરતું -ફરતું જાણે ધેન છે
બારણાં બંધ અને બારીનું આકાશ...!
જોયા પછી..!
આંખો જાણે એમ છે..!
પીંછા થોડાને થોડી વાત..!
જાણે પીંઝરુ...!
ખાલી કરી દેવાની હેમ છે..!
- જાગૃતિ મારુ મહુવા "જગુ"
એ તરફ કૈં સવાર જેવું છે,
આ તરફ અંધકાર જેવું છે.
આ અરીસો વજૂદ એનું છે,
ક્યાં કદી આરપાર જેવું છે.
શિલ્પ જેવું ઘડાશે ભીતરમાં,
કોઈ ઊંડા પ્રહાર જેવું છે.
એક-બે નહિ,કરોડ ઈચ્છાનું -
કીડીઓની કતાર જેવું છે.
સોની જેવું છે આપણું સપનું,
ઝબકી જાવું લુહાર જેવું છે.
- ભરત ભટ્
રૂમઝુમ રૂમઝુમ હેલી આવી
એવી વરસી ...
કંઇ એવી વરસી ..
કે એવી વરસી ....કે
વાંસલડી વનમાં ગજાવી
રૂમઝુમ રૂમઝુમ ........
નાનકડા છોડવાઓ બોલતાં થયા
ગાય અને વાછરડા ડોલતાં થયા
ખેતરમાં ખેડૂઓ દોડતાં થયા
ભીડેલા દ્વાર હવે ખોલતાં થયા
ઘમઘમતી ઘૂઘરિ ઘમકાવી
એવી ઘમકી ....
કંઇ એવી ઘમકી ....
કે એવી ઘમકી .... કે
ફૂલડાંથી હરખે વધાવી ......
રૂમઝુમ રૂમઝુમ .........
પાનેતર બોલ્યું રે આભલાઓ થઈ
મનમોટું ડોલ્યું રે મોરલાઓ થઈ
સરવરને ખોલ્યું રે દરિયાઓ થઈ
ઢેફાને તોલ્યું રે ત્રાજવાઓ થઈ
લટકંતી ચાલે હું ચાલી
એવી તો છલકી ....
કંઈ એવી તો છલકી ...
કે એવી તો છલકી ...કે
ભવભવની પ્રીતમાં સમાવી
રૂમઝુમ રૂમઝુમ .........
----- હર્ષિદા દીપક
તું પ્રણયના ફાગમાં રમતી રહી..
વાત સાથે જાત પણ ભળતી રહી...
રાત આખી મેઘલી વરસી રહી..
રાતભર હૈએ મને ભરતી રહી...
અંધકારો આવતો જોયો છે મેં..
ને મિલનની તું ઘડી ગણતી રહી...
જોઇ બારે મેઘ ખાંગાને જરા..
આ હ્રદયમાં કળ મને વળતી રહી...
આ હવા પણ મગ્ન છે જોવા મને..
ને નજર માદક બની ઢળતી રહી...
આહલાદકતા અમનમાં સાંભળી..!!
તૃપ્તિની કવિતા તું સાંભળતી રહી...
પ્રકૃતિના મિષ્ટાનનું છે આ "જગત"..
ઓડકારે આજ તું ચગળતી રહી...
- Jn
તું છે જ્યાં નથી હું,એ અફસોસ પણ છે.
છતાં જીવતો છું, એ અફસોસ પણ છે.
નદી ખીણ પર્વત છે,વરસાદ વરસે.
નથી એક બસ તું,એ અફસોસ પણ છે.
ખુદા ની હતી ચાલ સઘળી,ખબર છે.
સમય પણ કરે શું,એ અફસોસ પણ છે.
વિપુલ બોરીસા
આ જીંદગી વહેતી ગંગાનો કેવો ખળખળતો અવિરત પ્રવાહ
એક કિનારો છૂટે તો આહ ને સાગરને મળી જાય તો વાહ વાહ
ને આ કોણ સંકોચાયુ છે મૌન યાદ બની દિલોના ડૂસકાઓમાં
વહેતા આંસુઓમાં પણ ક્યારેક આહ તો ક્યારેક વાહ વાહ
વાંક નિર્દોષ નજરનો ક્યાં હોય છે કદીયે દિલોની બરબાદીમાં
મારી સામેથી એનું ગુજરવું પણ ક્યારેક આહ તો ક્યારેક વાહ
મયખાનાની હર એક સાંજ બહારથી દેખાતી હોય છે શરાબી
મારા જ એક હાથના જામમાં આહ તો બીજામાં નશીલી વાહ
ધૂમાડાના ગોટા ઉપરથી લાગેલી આગનો અંદાજ કેટલો સાચો?
જો પાપી પેટની હોય તો આહ ને ઘરના ચૂલાની હોય તો વાહ
અધૂરો છે "પરમ" પ્રેમ પણ એનો જે થઈ નથી શક્યા "પાગલ"
જો ન થયા પાગલ તો આહ ને થઈ ગયા તો જિંદગીભર વાહ વાહ
ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)
તમે સ્પર્શો ને હું લથબથ ભીંજાવ,
સજન! તમે એવું ચોમાસું થઈ જાવ.
અષાઢી હેત એવું અનરાધાર વરસે
હું તો કોરી રાખું કેમ જાતને,
અંધારે ઓરડે પુરી બેઠી છું હું તો
ઈચ્છાની માજમ રાતને,
રોમે રોમ આનંદની છોળો ફૂટે એવા
ઝોંકાર અજવાળા પાવ,
સજન! તમે એવું ચોમાસું થઈ જાવ.
પ્રિત્યુંની નદીયું સાવ ઘેલી થઈને
પછી વ્હેતી'તી મારી આંખમાં,
જળની તે કંઠી હું તો પેરીને કંઠમાં
ઉડતી'તી પંખીની પાંખમાં,
અંગેઅંગ જળની સોળો ઉઠે એવું
માથાબોળ માથાબોળ ન્હાવ,
સજન! તમે એવું ચોમાસું થઈ જાવ.
- શૈલેષ પંડ્યા