ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Wednesday, February 21, 2018

એક ગીત - હર્ષિદા દીપક

માતૃભાષા દિનની શુભેચ્છાઓ ....

Abcd છોડને ભઈલા કખગઘ - બોલ
અંગ્રેજીમાં થાશે ગોટા, ગુજરતી અણમોલ
      કે -- ભઈલા ગુજરતી અણમોલ

સ્પેરો કહીને સ્માર્ટ બનતો, ચકલી તું ન બોલે
કબૂતરોની બોલી તારી સ્વર પેટી ન ખોલે
અંગ્રેજીમાં અક્ષર ખોટા, ગુજરતી અણમોલ
        કે -- ભઈલા ગુજરતી અણમોલ

કાકી - મામી - માસી માટે એક શબ્દ છે આંટી
ગુજરતી મા એ શબ્દોની બનતી દીવાદાંડી
મળે નહી કઇં આના જોટા, ગુજરતી અણમોલ
       કે -- ભઈલા ગુજરતી અણમોલ

ભણવા ઇંગ્લીશ શીખી લેવું ગુજરતી માં જીવો
ગુજરતી અક્ષરની પ્યાલી ઘુંટ ઘુંટ માં પીવો
વેદવ્યાસ ની વાણી મોટા ગુજરતી અણમોલ
       કે -- ભઈલા ગુજરતી અણમોલ
       કે -- ભઈલા ગુજરતી અણમોલ

      - હર્ષિદા દીપક

માતૃભાષા દિનની શુભેચ્છાઓ સાથે માણો આ રચનાઓ

વાત મારી જેને સમજાતી નથી;
એ ગમે તે હોય ગુજરાતી નથી.!
- ખલીલ ધનતેજવી..

દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે;
તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે.!
- હરનામ ગોસ્વામી..

એના કરતા હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું.?
- હરનામ ગોસ્વામી..

એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી;
હું ને મારી ભાષા બન્ને ગુજરાતી.!
- વિનોદ જોષી..

હું છું અને મારી ભાષા છે;
કૈક થશે એવી આશા છે.!
- રમેશ આચાર્ય..

કોણ કહે છે ગુજરાતભાષાનું અસ્તિત્વ જોખમમાં છે,બચાવવા મહેનત કરવી પડશે.
ના,જુઓને આજની નવી પેઢી ફેસબુક અને વોટ્સએપ ગુજરાતી થી છલકાવી દે છે,ને મોબાઇલ કંપની પણ ગુજરાતી ભાષા પણ સાથે આપે છે...
હાં,પુસ્તકો વધુ વંચાય તે માટે યત્ન જરુરી છે.
-- મુકેશ મણિયાર

(ફરમાઈસ કરનાર - મુકેશ મણિયાર)

Sunday, February 18, 2018

એ પાણીમાં બોળે પગની આંગળિયું એની ફરતે ટોળે વળતી માછલિયું... - સ્નેહી પરમાર

એ પાણીમાં બોળે પગની આંગળિયું
એની ફરતે ટોળે વળતી માછલિયું

એના ફળિયાં બ્હાર નીકળ્યાં દુનિયામાં
જેણે ઉઘાડી મૂકી છે ઝાપલિયું

દરવાજાની શોભા એનાં તોરણ છે
ઘરની શોભા તો છે ઘરની  તાંસળિયું

મારા ખભે એક કેતકી ઝૂકી છે
એને જોઈ સળગી ઊઠી પાતળિયું

બહુ મોટાના મોઢે ચડવું સારું નહીં
જો,રસ્તે વેચાવા નીકળી વાંસળિયું

- સ્નેહી પરમાર

Sunday, February 11, 2018

મને ઓ જીંદગી તારી ઉપર બઉ પ્યાર આવે છે

મને ઓ જીંદગી તારી ઉપર બઉ પ્યાર આવે છે
અને શ્ચાસો ની શ્ચાસો સાથ આ તકરાર આવે છે

રહ્યો છું વેગળો નખની જ માફક એ ય અચરજ છે
રડુ છું હું ને આંખે તારી અશ્રુધાર આવે છે

મને વિશ્વાસ આવ્યો,આમ મારી બદનસીબી પર
કરું હું પ્રાર્થના ત્યારે જ ત્યાં રવિવાર આવે છે

ઉભો છું આંગણે તારા પ્રભુ તારો દિવાનો થઇ
મને બસ ત્યારથી કયાં યાદ તારી રાર આવે છે

ખરેખર પારખી એણે જ સાચી એક રગ મારી
કલમ સઘળાં એ દર્દો નો લઈ ઉપચાર આવે છે

જીવન ને કાચનો પથ્થર ગણીને મેં તરાસ્યો તો
ધરી ધીરજ છતાં ઈચ્છિત કયાં આકાર આવે છે

જશે છોડી બધાં સમયાંતરે આ ચાહનારા સૌ
મને એમાં સમય નો કંઈ જુદો અણસાર આવે છે

નિખાલસ ને સરળ સીધી રજૂઆતો કરે "જોગી"
ગઝલ "પાગલ"ની લઈ જૂઓ કેવો યલગાર આવે છે
- મુકેશ જોગી "પાગલ"

Friday, February 9, 2018

મોરપીંચ્છનો જીવ ધનેશ મકવાણાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ સાથે માણો અલગોતર રતન 'નિરાશ'ની રચના

બીજ એવું આંખમાં વાવી ગયું,
કોળવાનું એટલે ફાવી ગયું.

રોજ ફૂટે કૂંપળો દિલમાં ઘણી,
સ્નેહનું જળ એટલું ભાવી ગયું .

આંગણે સૂકવી હતી ઇચ્છા અમે,
કો'ક બકરું ભૂલથી ચાવી ગયું .

વાત કરતાં 'એ' ઘણી સુખની મને,
તોય પાણી આંખમાં આવી ગયું .

આ હ્રદય થોડું વલોવ્યું યાદમાં,
કોણ માખણ રાતમાં તાવી ગયું.

'નિરાશ'
અલગોતર રતન

Wednesday, January 31, 2018

હાર્દિક પંડ્યા 'હાર્દ'

પાંપણની વચ્ચે બાંધી હતી,
યાદો ઘણી મેં પાળી હતી

આજે ફરી કોતરે છે મને,
વાતો ઘણીએ પ્યારી હતી.

સરગમ સમીએ ગુંજે બધે,
કોયલ ટહુકે વારી હતી.

લઈને  વસંતો  સાથે  ફરે,
મોસમ તણીએ રાણી હતી.

આવીને મળતી મને સ્વપ્નમાં,
એવી અધૂરી કહાણી હતી.

હાર્દિક પંડ્યા 'હાર્દ'

ગઝલ/અજવાસને....


દોષ ના દેશો તમે ઊંડે  ખૂંપેલી ફાંસને.
મેં જ ઝંખ્યો છે સદાયે એમના સહવાસને.

બસ મને છે આટલી કેવળ તમારી  ઝંખના,
જેમ અંધારું સદા ઝંખ્યા કરે અજવાસને

તે છતાં ખૂપે પરિકર,પ્રેમથી બહુ સાચવ્યું,
રોજ અણિયાળી અણી ખૂંપ્યા કરે  કંપાસને,

જે વધે છે ,એ  કપાતું શોક ના કરવો કશો,
કોઈ માળી બાગમાં કાપ્યા કરે છે ઘાસને,

હુંફનું કોઈ કટર લઈ આવીને કાપો હવે,
નખ વધીને શ્વાસના, વાગ્યા કરે છે શ્વાસને.

- પીયૂષ ચાવડા

ભાવ તીખા સુરતે પડખાય છે... - मासूम मोडासवी

ભાવ તીખા સુરતે પડખાય છે,
ખેલ જાણે આખરી ખેલાય છે.

કોણ કોની વાત માની ચાલતું,
ઠોકરો ના ઢગ જને વર્તાય  છે.

ભાવ એવા રાખતાં વર્તાવ માં,
રંગ મુખે અવનવા વંચાય છે.

જોઇ વિચારી સમય પર ચાલવું,
વાત શાણી ક્યાં હજું સમજાય છે.

થઇ ગયાં માનવ જગતનાં ઘાતકી,
લો પશુતા હદ વટાવી જાય છે.

વાગતાં વાજા પ્રસંગે શોખનાં,
નાચતાં મનખા બધે દેખાય છે.

જિંદગી માસૂમ તમાશે રાચતી,
હર તરફ દેખો તમાશા થાય છે.

- માસૂમ મોડાસવી

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર... - રઈશ મનીઆર

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

- રઈશ મનીઆર

મનોજ ખંડેરિયા

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ સુવાસ કૈં આવ્યા કરે છે આંગળીઓ માંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું ?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી...!!!

- મનોજ ખંડેરિયા

જયંતિ પટેલ

કાળ ઉનાળે કૂંપળ ફૂંટી કૂંપળ લાગે ખાસ
ચાર દિશાએ ખીલી ઉઠ્યો લીલવણી અજવાસ

ચકલી મારી છાતી ઉપર ભીનાં પગલાં પાડે
વરસોથી આ બંધ પડેલા દરવાજા ઉઘાડે

સુક્કા પડતર ખેતરમાં પણ ઊગે કૂણું ઘાસ
કાળ ઉનાળે કૂંપળ ફૂંટી કૂંપળ લાગે ખાસ

ફરકે લીલાં પાન હવામાં ગીત મધૂરાં ગૂંજે
ચંચળતાને સહુ પોતાની ધૂપસળીથી પૂજે

ઉપસી આવે મનમાં ઝીણો ઝાલરનો આભાસ
કાળ ઉનાળે કૂંપળ ફૂટી કૂંપળ લાગે ખાસ

- જયંતિ પટેલ

ચાલ મરેલી ઈચ્છાઓ દફનાવી દઇએ - દીપલ ઉપાધ્યાય 'ફોરમ'

ચાલ મરેલી ઈચ્છાઓ દફનાવી દઇએ,
ભાંગ્યા તૂટ્યા સપનાઓ સળગાવી દઇએ.

સૂકાં વુર્ક્ષો છે આ મૂર્છિત વનરાવનમાં,
કૂંપળ અડધી ફૂટેલી ફણગાવી દઈએ.

પ્રાણને કોઇ પંખી સમજી લઇએ નિશદિન,
નભમાં ખુલ્લી પાંખ જરા ફેલાવી દઈએ.

અંતર મનમાં દિવાળી જેવું લાગે છે,
નયનોમાં પાછાં દીપક પ્રગટાવી દઈએ.

કોણ કહે છે હોય નહીં શબ્દોમાં 'ફોરમ'
થોડા કાગળના ફૂલો મ્હેકાવી દઈએ.

- દીપલ ઉપાધ્યાય 'ફોરમ'

આ તરફ જીવન છે,તો પેલી તરફ શું છે? - મુકેશ જોગી "પાગલ"

આ તરફ જીવન છે,તો પેલી તરફ શું છે?
સ્વર્ગ શું છે, નર્ક શું છે, આ સફર શું છે?

જે મધુરા ગાયનો ગાતાં ફરે પંખી
કોણ એ લખતું, અને એનાં હરફ શું છે?

યુધ્ધનો હિસ્સો બન્યો કિસ્સો સદા માટે
ભીષ્મ શું છે, ક્રિષ્ન શું છે,આ કરણ શું છે?

અંગ વાંકા છે અઢારે ઊંટના કાયમ
પારખે દોષો અવરના એ નજર શું છે?

જે સપાટી પર તરી આવે સદા તળથી
આ વમળ શું છે,કમળ શું છે,બરફ શું છે

લાગણી દિલની ઉતારૂ એક કાગળ પર
છંદ શું છે,કાફિયા શું છે,બહર શું છે?

હું જ રાણો છું ને પાછો હું જ મીરાં છું
હું જ આપી હું જ પૂછુ આ ઝહર શું છે?

શ્વાસ એ હરદમ નવાં આપે છતાં "જોગી"
શ્વાસના દેનાર ઈશ્વર ની કદર શું છે?

- મુકેશ જોગી "પાગલ"

Tuesday, January 30, 2018

એ કિશનજી....

કિશનજી....
તું રોજ રોજ શુ કરે ?
તારે અમારી જેમ થોડું હોય કામ??
કે સાચવવા ના હોય કોઈ વહેવાર ??
છતાં તને ન મળે થોડો ટાઈમ ...
કે તું તો યાદ કરે મુજ સમ પાગલને   !
ન એક ઝલક દર્શાવી શકે..!
તને આખી દુનિયા પ્રેમ કરે !!
ત્યાં મુજ સરખી એક રજકણની શુ વિસાત ?
તું તો સ્નેહનો સાગર ..તેમની હું એક બુંદ !
નસીબ નહિ આ બુંદનું!
કે બનું તારા હાર માંહ્યલું કોઈ મોતી..
પણ કાન્હાજી...
એક વિચાર આવે મને......
તું હતો ગોકુળ કે વૃંદાવન મહી...
ત્યારે હું પણ હઈશ ત્યાં તહીંકહી..
કોઈ ગાય કે કોઈ ગોપગોપી બની ..
કોઈ વૃક્ષ કે કોઈ પથ્થર બની ...
કદાચ હોઉં જમનાજી નું નિર્મળ જળ ..
કે હોઉં કદંબ કેરું કોઈ લીલું પર્ણ..
જોયો હશે તને જરૂર મેં ત્યારે તહીં..
નહીંતર ન હોય હજુ તારી લગની..
છે એટલે વિશ્વાસ તું મળશે જરુર અહીં..
.........નલિની શાહ

Monday, January 29, 2018

કે. એચ. ભાટિયા જન્મ દિવસની શુભકામના સાથે માણો ગઝલ : ભરત વિંઝુડા

હિન્દુ  મુસ્લિમ  શીખ  ઈસાઈ  ઘેટાં  બકરાં  નીકળે,
રસ્તા પર જઈ ઊભા જયાંથી આખી દુનિયા નીકળે !

ભીડ  ચીરીને    નીકળવાના   યત્ન    કરે    ટોળામાં,
માળા  તૂટ્યા  વિણ  એમાંથી  ક્યાંથી  મણકા નીકળે !

વાંચે  છે અખબાર  બધાં ને  એવું પણ  બહુ  જાણે,
ઇતિહાસના    પાનાં   પરથી    કોઈ   અફવા  નીકળે !

કોઈ  આ તરફ  આવે  એમ જ  કોઈ  તે  તરફ જાતું,
એક  જ રસ્તા  પર  બે  રસ્તા ડાબા  જમણા નીકળે !

જેમ  ખભેથી   ઘૂંટણ  લગ  તે  વસ્ત્રો   પહેરી  રાખે,
વાત   કરે   ત્યારેય  હંમેશાં  બહાર તે  અરધાં નીકળે !

હર  એક  વ્યક્તિની અંદર  છે  પોતાની  એક  દુનિયા,
એમ ગણો તો આ દુનિયામાં અગણિત દુનિયા નીકળે !

- ભરત વિંઝુડા

ગઝલ

ભીડમાં   ભળતો   એ માણસ ક્યાં ગયો ?
મન મુકી મળતો એ માણસ ક્યાં ગયો ?

ક્યાં ગયો  આકાશ  જેવું  વિસ્તરી,
ખાલી નીકળતો એ માણસ ક્યાં ગયો?

કેટલા  ઝખ્મો  લઈ   જીવતો હતો !
રક્ત નિંગળતો એ માણસ ક્યાં ગયો?

સર્પની માફક  સ્મરણમાં સળવળે,
સ્થિર ખળખળતો એ માણસ ક્યાં ગયો?

ગાઢ અંધારાંને ઓગાળી શકે,
એવો ઝળહળતો એ માણસ ક્યાં ગયો?

*દીપલ ઉપાધ્યાય 'ફોરમ'*

ગઝલ

એક વેળા આપણે મળવું હતું,
એક બીજાનું હૃદય કળવું હતું.

છીપમાં પૂરાઈને ફાવ્યું નહીં,
કોચલાથી બ્હાર નીકળવું હતું.

માત્ર પોતાના સ્વરૂપને પામવા,
બર્ફને નખશિખ પીગળવુ હતું.

ઝાંઝવા સામે હતા એ જોઈ ને,
જૂઠથી કોઈ સત્યને છળવુ હતું.

સ્થાન ચરણોમાં તમારા પામવા;
ફૂલમા ફોરમ બની ભળવું હતું

*દિપલ ઉપાધ્યાય 'ફોરમ'*

ગઝલ

વાહ..નો એક ખિતાબ આપ મને,
સાચનો  પણ ગવાહ  આપ  મને.

જિંદગી આ નર્યા સવાલ જ છે,
કોઈ  ગમતો  જવાબ આપ મને.

સૂર્ય અજવાળે વિહરતી મોજ ભરી,
એક  સુંદર  સવાર  આપ  મને.

રોજ  આપ્યા  ઉધાર જે મેં તને,
એ શબદનો હિસાબ આપ  મને.

શસ્ત્ર  હું  ના ચલાવું શબ્દ થકી,
જીભે  એવી  લગામ આપ મને.

જિંદગી તો હું માણું રોજ ખરી,
મોતનો પણ  દિદાર  આપ  મને.

જખ્મો  હું  હજાર  સાચ્વી લઉં,
તું   ખુશીનો  નકાબ  આપ  મને.

હું   સમંદર  ક્યાં માંગું  છું ય હવે,
જાજું નહીં પણ જરાક આપ મને.

આંખમાં   કોઈને  ના  ખૂંચે  ફરી,
શર્મનો  એ  લિબાઝ  આપ  મને.

તું  સુરાલયને  રાખ   તારી  કને,
પ્રેમનો  એક   કરાર  આપ  મને.

*કાજલ કાંજિયા "ફિઝા"*
*ગાલગાગા લગાલ ગાલલગા*