ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, April 30, 2016

સાવજ કદીએ ઘાસને ચરતો નથી,- નિરાશ

સાવજ કદીએ ઘાસને ચરતો નથી,
દિવસે કદી તારો અહીં ખરતો નથી.

છે એટલે વિશ્વાસ મારો દોસ્તને,
બોલ્યાં પછી ક્યારેય હું ફરતો નથી.

સારો કહે કે ના કહે પરવા નથી,
સાચું કહેવાથી કદી ડરતો નથી .

સારો હતો તે તો ગયો જલ્દી ઉપર,
નડનાર જીવે છે અહીં મરતો નથી .

બાળી બધુંએ ખાખ કરશે ક્રોઘ આ,
આ ક્રોધનો અગ્નિ દિલે ઠરતો નથી.

જો રાખવો સંબંધ હો તો આવજે,
હું હાથ જોડી આજ કરગરતો નથી.

સમજે બધાં મૂરખ મને છે એટલે,
સંબંધમાં હું ગણતરી કરતો નથી,
- 'નિરાશ'  અલગોતર રતન

'પ્રદીપ'

'પ્રદીપ'

બુઝશે હમણાં આગ પ્રદીપ,
છેડો દીપક રાગ પ્રદીપ.

હૈયામાં ઊંડાણ ઘણું,
આંખો દેશે તાગ પ્રદીપ.

હમણાં દીધું સ્મિત તને,
સારો છે આ લાગ પ્રદીપ!

સમજ્યો ના? હું 'શું' બોલ્યો?
કાનમાં પડ્યાં ઢાગ પ્રદીપ?

સામે આવ્યો સિંહ ભલે,
કાયર થૈ ના ભાગ પ્રદીપ.

માગે છે શું એક ગુલાબ,
આપું દિલનો બાગ પ્રદીપ!

કો'ક અતિથિ આવશે હમણાં,
નેવે બોલે કાગ પ્રદીપ!

ખૂટીં ગઈ દરિયાવદિલી?
નદીઓ જોડે માગ પ્રદીપ.

અજવાળી દે ફૂંક દઈ,
તું છે એવો નાગ પ્રદીપ.

તશ્કર ટૂટ્યાં છે ઘરમાં!
ઉઠ, ઊભો થા, જાગ પ્રદીપ.

બુઝી ગઈ છે જ્યોત હવે,
મૂકી કાળો દાગ પ્રદીપ!
            (ટૂંકી બહેરની ગઝલ)

- પ્રદીપ સમૌચા

ખાંપણ સરખો ખેસ કબીરા - માવજી મહેશ્વરી

ખાંપણ સરખો ખેસ કબીરા
લોક કહે દરવેશ કબીરા

લીરે લીરા જીવતર ઓઢી
છોડી ચાલો દેશ કબીરા

હાથ અને રેખાઓ વચ્ચે
કર્મો કાળા મેંશ કબીરા

સાંઇ મારગ સાવ જ સીધો
શેની વાગે ઠેસ કબીરા

સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા

- માવજી મહેશ્વરી

લાવ હાથ નામ લખી દઉ, જિંદગી તમામ લખી દઉ!- શૈલેશ ગજ્જર'નિખાલસ'

લાવ હાથ નામ લખી દઉ,
જિંદગી તમામ લખી દઉ!

દર્દ છો મળે પરવા નહિ.
આખરી મુકામ લખી દઉ

આખરે તરી જ જશે એ !
પથ્થર પર રામ લખી દઉ

સરળ હોય જો વિષય જ તો
પ્રણયનુ ઈનામ લખી દઉં  !

છે જરૂર મૂલ્ય તણી તો,
શબ્દ પર જ દામ લખી દઉ.

શૈલેશ ગજ્જર'નિખાલસ'
ગાલગા લગાલ લગાગા

ધરાના શ્વાસ કાજે  હવા બનાવું છું . ' દાજી '

દર્દ ને  જ  હું  દવા  બનાવું છું,
ઓસડ રોજ  નવા  બનાવું છું.

પ્હોંચે  હ્રદયથી  હ્રદય  સુધી ,
મારગ એવા જવા બનાવું છું .

આંસુનું એક બુંદ મળે  પાંપણે,
ભીની લાગણી સવા  બનાવું છું.

ફકત એક  ઝલક  લઈ  નૂરની,
રુંધ્યા શ્વાસ કાજે  ધવા બનાવું છું.

ડૂબે  છે  વહાણ   પ્રેમસાગરમાં  
ભરોસાની  નાવ તરવા બનાવું છું.

ના  મળે  કો '  બદનામી   પ્રેમને 
એકાદ  બહાનું મરવા બનાવું છું  .

'કૂંપળ    થઈ    ફૂટવા   દો  મને !,
ધરાના શ્વાસ કાજે  હવા બનાવું છું .
' દાજી '

આભાસ" ઉચકી લાશને ભર સાગરે તરતો રહ્યો. -આભાસ

એને મળાશે આજ તો એવી દુઆ કરતો રહ્યો,
એને મળી ને વાત શું કરશું, હ્રદય ડરતો રહ્યો.

માંગી હતી જોને દુઆ એની ભલાઈ કાજ મે,
ને રોજ રાતે એક તારો ખુશ થઈ  ખરતો રહ્યો.

આપી શકાશે શું હિસાબો લાગણીનાં કારણે?
ના માંગતો એતો હુ મારા શ્વાસને ધરતો રહ્યો.

માની હકીમોનું દવામાં રોજ પીતો મય ઘણી,
જાણી બધું  આ વાતને હું હર ક્ષણે મરતો રહ્યો.

સમજી ગયો તાસીર સાગરની કિનારે હું જઈ,
"આભાસ" ઉચકી લાશને ભર સાગરે તરતો રહ્યો.

-આભાસ

આભાસ" ઉચકી લાશને ભર સાગરે તરતો રહ્યો. -આભાસ

એને મળાશે આજ તો એવી દુઆ કરતો રહ્યો,
એને મળી ને વાત શું કરશું, હ્રદય ડરતો રહ્યો.

માંગી હતી જોને દુઆ એની ભલાઈ કાજ મે,
ને રોજ રાતે એક તારો ખુશ થઈ  ખરતો રહ્યો.

આપી શકાશે શું હિસાબો લાગણીનાં કારણે?
ના માંગતો એતો હુ મારા શ્વાસને ધરતો રહ્યો.

માની હકીમોનું દવામાં રોજ પીતો મય ઘણી,
જાણી બધું  આ વાતને હું હર ક્ષણે મરતો રહ્યો.

સમજી ગયો તાસીર સાગરની કિનારે હું જઈ,
"આભાસ" ઉચકી લાશને ભર સાગરે તરતો રહ્યો.

-આભાસ

મુખ્તાર સૈયદનો આ શેર માણો.....

માણવાને એક તો ક્ષણ જોઈએ,
ને પછી એમાંય બે જ્ણ જોઈએ.
– મુખ્તાર સૈયદ

જીવનના જળને ડ્હોળીને અમે ચુપ થઈ ગયાં છીએ- મનોજ ખંડેરિયા

જીવનના જળને ડ્હોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
ચરણ મૃગજળમાં બોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી’તી
કૂંપળની જેમ કોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું, ખબર નો’તી
અમારો શબ્દ તોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
દીવાલો ઘરની ધોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ

-મનોજ ખંડેરિયા

તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે-મિલિંદ ગઢવી

દિવસોનો કચરો બાળીને રાતે અજવાળાં રાખ્યાં છે,
તારો ખાલીપો સાચવવા સુઘરીના માળા રાખ્યા છે.

થોડો અવકાશ જરૂરી છે, સૌ જાણે છે, સૌ માને છે,
તેથી તો રેલના પાટા સમ સગપણમાં ગાળા રાખ્યા છે.

તું પણ બીજાની જેમ અરે! આંખોની પાર ન જોઇ શકી ?
આ ગરમાળાની પાછળ જે ઘેઘૂર ઉનાળા રાખ્યા છે !

તોરણમાંથી ટપકે રાખે છે આખા ઘરની નીરવતા,
ઘરડાં દ્વારોને યાદ નથી કે કોણે તાળાં રાખ્યાં છે.

ત્યાં દૂર ક્ષિતિજ પર સોનેરી એક ધજા ફરકતી રાખીને,
રસ્તાના અર્થો વિસ્તારી અમને પગપાળા રાખ્યા છે.

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

લાગણી. - હાર્દ

આંખમાં છુપી રખાતી લાગણી,
હોઠ પર પણ ક્યાં જણાતી લાગણી.

મોર પણ જોઈ સજાવે છે કળા,
પ્રેમ ચોમાસે મઢાતી લાગણી.

છે અધુરો આજતો આ ઈશ પણ,
ફુલ માળા માં સજાતી લાગણી.

રાત પણ ક્યાં બે અસર છે આપથી,
આભના તારે લખાતી લાગણી.

પૂર્ણતા ને પામવા વ્યાકુળ બન્યો,
અલ્પતામાં છે રચાતી લાગણી.

સૂર્યને પણ છે અસર આ ક્ષય તણી,
જો અભિમાને હણાતી લાગણી.

શોભતી છે આપથી મારી ગઝલ,
શબ્દ સાથે છે વણાતી લાગણી.

- હાર્દ

બાળક  થઇ રડવું છે મારે ,- કવિ જલરૂપ

બાળક  થઇ રડવું છે મારે ,
સમડી થઇ ઉડવું છે મારે .

ભાંગી, તોડી અંધારા ને ,
હીરો થઇ જડવું છે મારે .

ઘા ખંજરના ઝીંકે છે મન !
સત્ય થઇ લડવું છે મારે .

પ્રવાહ વહે છે ગઝલોનો ,
શબ્દો થઇ ફળવું છે મારે .

હું શૂન્ય કે ઘાયલ ક્યાં છું ?
જલરુપ થઇ લખવું છે મારે .

કવિ જલરૂપ

ભીતરી  આગને  ઠારવા  શું  નું શું  કરે ? - રીનલ પટેલ

ભીતરી  આગને  ઠારવા  શું  નું શું  કરે ?
કોઇનું ઘર બળે ત્યાં જગત તાપણું કરે .

બંધ  હોઠો  ધરે  રૂપ  ક્યારેક  મૌનનું
થયા અલગ તો વતેસર પછી વાતનું કરે .

અન્ન, ઘર, વસ્ત્ર, સ્વપ્ન અને કેટકેટલું ,
ક્યાં લગી બાળકો કાજ 'મા' તું જતું કરે .

જીવતા જાગતા પ્રાણવાયું જે આપતું
આજ એ બારણું મારી ચિંતા હજુ કરે .

માંગતી હું નથી ને એ પણ આપતો નથી
હું ય  ખ઼ુદ્દાર છું. એ..ભલે પારખું કરે .
- રીનલ પટેલ

Monday, April 25, 2016

સે સોરી! માય સન, સે સોરી!

સે સોરી! માય સન, સે સોરી!
છ છ કલાક સ્કૂલ
ત્રણ ત્રણ કલાક ટ્યૂશન
તોય આ નોટ કોરી
સે સોરી! માય સન, સે સોરી!

ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ
વળી માથે તે ચોપડ્યું ઘી
યાદદાસ્ત માટે તે શંખપુષ્પીની
કંઈ બાટલીઓ પેટમાં ભરી
કેમે કરી ન યાદ રહેતું તને લેશન
યાદ રાખે તું સિરિયલની સ્ટોરી
સે સોરી! માય સન, સે સોરી!

પંખી તો બચ્ચાંને ઊડતાં શીખવે અને
માણસ બચ્ચાંને આપે પિંજરું
મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબૂકમાં
બાળ લાવ્યું છે આખું આભ દોરી
સે સોરી! માય સન, સે સોરી!

તારે હો ઊંઘવું ત્યારે જગાડું હું
જાગવું હો ત્યારે સુવડાવું
પરીઓના દેશમાંથી ઊડતો ઝાલીને
તને રિક્ષામાં ખીચોખીચ ઠાંસું
જેવો દફતરનો ભાર
એવો ભણતરનો ભાર
જાણે ઊંચકે મજૂર કોઈ બોરી
સે સોરી! માય સન, સે સોરી!

ટીચર તો ટોકે છે
મમ્મી તો રોકે છે
બોલે નહિ પપ્પા, બે ઠોકે
કોઈ જો પૂછે કે ચાલે છે કેમ?
ત્યારે અમથું બોલાઈ જાય, ઓકે!
મૂડલેસ રહેતું તે મૂંજી ગણાતું બાળ
મૂડમાં રહે તો ટપોરી
સે સોરી! માય સન, સે સોરી!

- Raish Maniyar sir (if any one know about creater of this poem pls contact us with proof)

તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!- રક્ષા શુક્લ

તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!
ગરમાળો ગુલમ્હોર ઉપર જો ઢળી ગયો છે, આલ્લે લે!

પીળચટટા 'ને રતુંમડા ફૂલો પૂછે છે, ' આવે છે?'
પાંખડીઓને પકડી હું નાચું 'ને બોલું, 'ફાવે છે.'

જીવ અમારો ગાલાવેલો લળી ગયો છે, આલ્લે લે!
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!

ચાતક જેવી જાત અને હું પંખી નામે તરસ,
અનરાધારે આભ અમે જો એને કહેતા 'વરસ'.

અણઘડ આ અવતાર અમારો ફળી ગયો છે, આલ્લે લે!
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!

પગલામાં પગલું પડતા આ કળતર થાતું ગુમ,
કંટકને અણદેખા કરતુ મન કહે કે ઝૂમ.

ચોમાસે મધુમાસ હળીને ભળી ગયો છે, આલ્લે લે!
તારા રસ્તે મારો રસ્તો મળી ગયો છે, આલ્લે લે!

-રક્ષા શુક્લ

મહોબ્બતની પીડા

ગઝલ :-       મહોબ્બતની પીડા
          ------------------------------------------------

મહોબ્બતની પીડા તો સૌ પીડાઓથી  વધારે  છે.
દરદ  એનું   બધાને   જીવતે જીવ   રોજ  મારે છે.

ઘડીભર આંખ મટકું લઇ શકે નહી આ દશા કેવી,
ઉઘાડી  આંખથી સપના જોવાનું દુ:ખ તો ભારે છે.

હસી લઇએ બધા  વચ્ચે જમાનાને  ખબર શું  છે?
અમારી   આ  હંસી  તો  જુઠના   કોઇ   પ્રકારે  છે.

ન મળ્યા હોત એ સામા અગર આ મોજ ના આવત,
મજા   મારી   તેઓની  આંખના   મોઘમ  ઇશારે છે.

રડી લઇએ હરખના આંસુથી ચાલો 'ધમલ' મનભર,
ગરિમા    પ્રેમની   મારા    હવે    તેઓ   સ્વીકારે  છે.

                               --    દેવેન્દ્ર  ધમલ
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.

Thursday, April 21, 2016

લતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી

લતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

– બરકત વીરાણી ‘બેફામ’

વાદલડી રોજ મારા આંગણિયે આવીને

વાદલડી રોજ મારા આંગણિયે આવીને
છાંટાની રમઝટ બોલાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .

ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,
મને બોલાવે ઝટઝટ તું હાલ,
શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે ,
ભીંજાતા શીખવું હું હાલ.
લૂચ્ચો વરસાદ,મને ટાણે-કટાણે
ભીંજવવાના બ્હાના બનાવે,
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે .

આંખોની ટાઢક બહુ દુર જઈ બેઠી છે
પાછી હું કેમ એને લાવું ?
પાણીએ બાંધ્યુ છે પાણીથી વેર
તને વાત હવે કેમે સમજાવું ?
પળભરમાં ધોધમાર , પળમાં તું શાંત ,
અલ્યા વરસીને આવું તરસાવે ?
ધક્કો મારીને એને એટલુજ કહું,
મને આવું ભીંજાવું નાં ફાવે.

– ચૈતાલી જોગી

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ.

તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.,

તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત,
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.

અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ,
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.

- સુરેશ દલાલ

આ કારણ-અકારણ અજંપાથી થાક્યો

આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;
હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો .

ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક;
અગોચર,અનાહત તમાશાથી થાક્યો .

બુલેટોની ફૂટતી નથી ધણધણાટી;
નિરંતર તકાતા તમંચાથી થાક્યો .

ન છૂટી શકાતું, ન બંધાયેલો છું;
હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો .

સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો .

ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો .

મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો .
- ભગવતીકુમાર શર્મા

તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે

તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે
અફસોસ કે તું એને સુધારી નહીં શકે

અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે

જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે

મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકે

નાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ
બેમાંથી એક નાવને તારી નહીં શકે

ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
એને તું વારંવાર મઠારી નહીં શકે
-રિષભ મહેતા

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો
-નયન દેસાઈ

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
-શેખાદમ આબુવાલા

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે
-સુરેશ દલાલ

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.

હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.

આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.

ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?

પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

– ખલીલ ધનતેજવી

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે…
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિંતુ કેટલા પડદા ? ગણી બતાવ.

– હરિશ્ચંદ્ર જોશી

Tuesday, April 19, 2016

अस्मिता पर्व 19 : संगोष्ठि , काव्यायन , अने शास्त्रीय संगीत -- नृत्यमहोत्सव

ता. 20-4-2016. बुधवार

   
  संगोष्ठि ---3 सवारे 9:00थी 9:15

➡. भारतीय ज्ञानपीठ अेवोर्ड पुरस्कृत सर्जक
🔹. श्री रघुवीर चौधरीनुं अभिवादन
       सर्जकछबि :- विनोद जोशी

➡ भारतिय साहित्य :- मारी द्रष्टिअे
     सवारे 9:15थी12:00 संयोजन :- रघुवीर चौधरी

------------------- ------------------ ------------------ ------------------ ------------------

संगोष्ठि ---4 :- वाचिक आंगिक
      सांजे 3:30थी6:30 संयोजन :- हरिचंद्र जोशी

🔹. दरियालाल :- चिंतन पंड्या अने वृंद
🔹. आनंदतरंग :- अर्चनत्रिवेदी अने वृंद

➡ संगीत -- नृत्यमहोत्सव रात्रे 8:30
      शास्त्रीय कंठस्यगीत अने तालवाद्य संगीत
   श्री चित्रकुटधाम , तलगाजरडा

•🏻  पं. उल्लास कशालकर
       (शास्त्रीयसंगीत कंठस्यगीत :- उत्तर हिन्दुस्तान )

•  पं. सुरेश तवलकर (वाद्यसंगीत:- तबला )
   तबला संगत :- सत्यजित तवलकर अने सावनी तवलकर

એક સાથે અનેક પ્રશ્નો છે...

એક સાથે અનેક પ્રશ્નો છે,
એમાં ખોવાતા નેક પ્રશ્નો છે !
પૂછવાનો સમય નથી મળતો,
આપણાં માત્ર બે'ક પ્રશ્નો છે !
એના મસ્તકમાં તો હશે ને હશે,
પગની પાનીમાં છેક પ્રશ્નો છે !
રૂપના છે ને રંગના પણ છે,
ને ફૂલોની મહેક પ્રશ્નો છે !
બેઉ મળશે તો થઈ જશે બમણા,
કેમ કે એકમેક પ્રશ્નો છે !
હોય છે ને ન હોય છે કોઈ,
મારા માટે દરેક પ્રશ્નો છે !
- ભરત વિંઝુડા


At Dwarka Kavi sammelan.....

વરસો ગયા છે- હરજીવન દાફડા


અધિકાર મળવામાં વરસો ગયા છે,
દિવસ-રાત લડવામાં વરસો ગયા છે.
હજી એના નિર્ણયની રાહે ઊભો છું,
મને મિત્ર ગણવામાં વરસો ગયા છે.
રજુઆત મારી હજી એની એ છે,
તને કાન ધરવામાં વરસો ગયા છે.
તને ગાઢ નિદ્રામાં શમણાઓ આવે,
મને આંખ મળવામાં વરસો ગયા છે.
યુગોથી હજી હાથ જોડી ઊભો છું,
મને પણ સુધરવામાં વરસો ગયા છે.

- હરજીવન દાફડા

મુક્તક

એ હવે ક્યાં હું રડું છું ,
તોય સૌને હું નડું છું .
ધ્યાનથી જો ને ભઈલા ,
જાત સાથે હું લડું છું .

કવિ જલરૂપ
મોરબી

ધિક્કાર શું છે ?

ધિક્કાર શું છે ?
પ્રેમશૂન્યતા.

પ્રેમ શું છે ?
હ્રદય રિકતતા.

હ્રદય શું છે ?
પ્રેમની સભરતા.

ચહેરો શું છે ?
ખભા પરની નિશાની.

આંખ શું છે ?
ઊંડા કૂવાનાં કોરાં પાણી.

સંબંધ શું છે ?
ઉઝરડા…ઉઝરડા..

યૌવન શું છે ?
વૃધ્દ્રાવસ્થાની પૂર્વ અવસ્થા

આવતી કાલ શું છે ?
આજની પ્રતીક્ષા.

માણસ શું છે ?
ભૂખ અને ભિક્ષા.

જીવન શું છે ?
મરણ તરફની ગતિ.

પ્રશ્ર્નો શું છે ?
અનુત્તર ઉત્તરની સ્થિતિ.

----- સુરેશ દલાલ -----

કેટલી નિરવતા છવાઇ ગઈ છે ,,,,,,,

કેટલી નિરવતા છવાઇ ગઈ છે ,,,,,,,

કે,મારી ધડકનો નો શોર પણ હવે તો,,,

મને સ્પષ્ટ સંભળાય છે.!! .
સાંભળે છે ને તું?

હા,,,તને જ કહું છું.!!
મારા હદય,,
હવે તો જરા,,,,,

ધીમેથી ધબક,,,,,
મને એનું ધ્યાન ધરવામાં ખલેલ પડે છે.!!

.  .  . . . R.R.SOLANKI
               (તૃષ્ણા).

કાગળ ને અક્ષર ભલે પીળા પડી ગયા,

પપ્પાએ કૉલેજમાં ભણતી એ સમયના મેં સાચવી રાખેલા મારા મિત્રો,બહેનપણીઓના બર્થ ડે કાર્ડસ, અને પત્રોની બેગ એમના કબાટમાંથી જડતાં મને આપી ને હું એક એક કરીને એ પત્રો, કાર્ડસમાંથી ફરી પસાર થઈ એ સમયે મને આવી કંઈક અનુભૂતિ થઈ,,,,

કાગળ ને અક્ષર ભલે પીળા પડી ગયા,
વરસો પુરાણા પત્રો મળતાં, ગત વર્ષો મળી ગયાં.

રણ જેવાં આ સુકાંભઠ જીવનમાં જાણે,
સ્નેહનાં લીલાછમ્મ મીઠા વીરડા મળી ગયા.

પુરાણા પત્રો એ મિત્રોના શું હાથ ચડ્યા,
લાગ્યું જાણે જોબનના ખજાના જડી ગયા.

પાને પાને ઉકલે સંસ્મરણો વાસતો
ને બોલા-અબોલાના મહેકંતા વાયરા મળી ગયા.

આજ ભરબપોરે આ અક્ષરોમાં કંઈ
કેટ-કેટલાં,
જોને રંગીન અરમાન, વિરહ ઝૂરાપા જડી ગયા.

~ પ્રવિણ દુધરેજીયા

" માણસ ત્રાહિમામ્  "

" માણસ ત્રાહિમામ્  "
-------------------------
ઉપર આભમાંથી અગન વરસે,
... માણસ ત્રાહિમામ્.
નીચે ડામર ની સડકો સળગે,
... માણસ ત્રહિમામ્.
કેમે કરી ભેગાં ના થાય બે છેડાં જિંદગીનાં,
... માણસ ત્રાહિમામ્.
રોજ સપના જૂએ,
રોજ સપનાં ચકનાચૂર થાય,
... માણસ ત્રાહિમામ્.
લાગણીઓ નાં સરવાળા કરનાર
ની જ,
લાગણીઓ નાં ઉડાડે છેદ લોકો,
... માણસ ત્રાહિમામ્.
માંડ આજને પૂરી કરી,
કાલ પર મીટ માંડતો,
...માણસ ત્રાહિમામ્.
છે ખબર મૃગજળ જ છે,
છતાં પાછળ દોડતો,
...માણસ ત્રાહિમામ્.
મેઘધનુષ્ય પાસે રંગ ઊછીનાં લઇ,
બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્ર દોરતો,
... મણસ ત્રાહિમામ્.
ઉધાર મળેલું આયખું,
ઉધારમાં જ વેડફતો,
... માણસ ત્રાહિમામ્.
મંદિરોમાં ગેરહાજર ભગવાનને
ધંટનાદ કરી પોકારતો,
... માણસ ત્રાહિમામ્.
ને હતો પોતાની અંદર જ
ભગવાન ' મુકેશ',
તેમછતાં જીવનભર દર-બદર ભટકતો,
માણસ ત્રાહિમામ્.
ઉપર આભ થી અગન....
---- મુકેશ મણિયાર.
M-99254 56357.