ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Tuesday, June 28, 2016

ગૂંજી ઉઠી છે સમગ્ર "ભૂમી" "અદિઠ"મોરલાઅાેના સાદ થી - અિભષેક ઠક્કર "અિદઠ"

પુન: અાશિર્વાદિત થયા છીઅે ઇશ્વરના પ્રસાદ થી
અાવી રહી છે સોડમ માટીની ભીંજાઇને વરસાદ થી
મળી ગયો છે તાલ જાણે અેક મધૂર રાગના નાદ થી

સાૈને ઘેર સમાન છે અેતો પરે છે અે જાત-પાત ના વાદ થી
ચાલોને અાપણે સાૈ પણ મળીઅે દૂર થઇ બધા વિવાદ થી
સ્ફૂિર્ત જ સ્ફૂિર્ત છે ચાૈતરફ છૂટી ગઇ છે સ્ૂષ્ટિ જાણે પ્રમાદ થી

ગૂંજી ઉઠી છે સમગ્ર "ભૂમી" "અદિઠ"મોરલાઅાેના સાદ થી
અાખર મિલન છે અેનુ અેના અતિ પ્રિય વરસાદ થી

          ''હેપ્પી મોનસૂન''
            
           અિભષેક ઠક્કર
               "અિદઠ"

Saturday, June 25, 2016

ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું,

ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું,
નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું.

આ ધરા માફક મહેકતાં છો મને ના આવડે,
તરબતર ભીના થઈ વરસાદનું સ્વાગત કર્યું.

પ્હાડની સંવેદનાઓ આ ક્ષણે સમજાય છે,
કૈંક ઝરણાંએ વહી વરસાદનું સ્વાગત કર્યું.

વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.

માત્ર આ આકાશને પોષાય એવું આ રીતે,
એમ ધરતીએ કહી વરસાદનું સ્વાગત કર્યું.

– ઉર્વીશ વસાવડા

તમને ખાલી મળવું’તું

તમને ખાલી મળવું’તું
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું;
નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.

ના ના એવું ખાસ નથી,
પણ છાતી અંદર શ્વાસ નથી;
હમણા હમણાથી આંખોમાં
ટકતું બહુ આકાશ નથી.
આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

રુવાંટીઓ ક્યે,”એ ફૂંકે ને
તો જ અમે ફરફરીએ;
એમનેમ મળવાની વાતો
અમે ય થોડા કરીએ?
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

- અનિલ ચાવડા

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે

થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે......

રમેશ પારેખ

Saturday, June 18, 2016

મારામાં -સ્નેહી પરમાર (પીડા પર્યન્તમાંથી )

ઉઠી લોબાનની ખુશ્બુ,, શરુ થયા જાપ મારામાં
મૂકી ને સાથીયા પર પગ ,પધાર્યા આપ, મારા માં

તમે થડકારવશ, થીરકાટવશ ;હળવે રહી અડક્યા
છનન છન છન ,ત તા થઇ થઇ ;થયો આલાપ મારામાં

તમે ચાલ્યાં જવાની વાતના બહુ ઢોલ પીટો મા
તમે આવ્યા હતા સાજન બહુ ચુપ ચાપ મારામાં

તમે જાઓ અગર બેસો હવે ના ફેર પાડવાનો
તમે છો દેહ થી સામે ને આપોઆપ મારામાં

હજારો જન્મની ખારાશ સાથે ઘૂઘવ્યો, તુટ્યો
હવે તું પણ કશું શિવલિંગ જેવું સ્થાપ મારામાં

-સ્નેહી પરમાર
(પીડા પર્યન્તમાંથી )

શું કરું હું સર્વ કિસ્સા સંઘરીને?- માધવ આસ્તિક

શું કરું હું સર્વ કિસ્સા સંઘરીને?
ખાલીપો માણી શકું જો મનભરીને.

મૌન ની સામે થયો તો એ પછીથી,
હર્ફ પણ ઉચ્ચારુ છું હું થરથરીને.

જો વહેવું આવડે તો પાર દરિયા,
ક્યાં કશે પ્હોચી શકાયું છે તરીને!

આંગળી બદલે પહોંચો ચાલશે પણ,
હસ્તરેખા માં જ બેઠા ઘરકરીને?

એક પરપોટાને કાપી નાંખવાનું,
એ જ સપનું રોજ આવે છે છરીને.

-માધવ આસ્તિક

Friday, June 17, 2016

ચોમાસું ચારવેંત છેટું ! ... ગીત- દાન વાઘેલા

કાંઇ સમજાતું નથી  મારું બેટું...                              કે  કેમ હજી ચોમાસું ચારવેંત  છેટું !
                ઃ કાંઇ સમજાતું નથી....
કેરળ ને કર્ણાટક રાજ્ય ઉપર સ્થિર થઇ
              ગુંગળાવે આખા  ગુજરાતને  !
ઓચિંતા ચાર-પાંચ છાંટા આવે તો સૌ
               જાકારો આપે લૂ- ની  નાતને !

આખ્ખુંયે ભારત હોય એના તાબામાં અેમ
               મૂંછ મરડે  તડકાનું   ટેંટું.....
               ઃ કાંઇ સમજાતું નથી.....

સૂરજની ફરતો અેક મેેઘધનું  જોવાની
                દોમદોમ ઈચ્છાઓ નીતરે !
વાદળાંને નીચોવી  ફુગ્ગાની જેમ  આ
              વાયરોય અકળામણ ચીતરે !

હાંફેલો જીવ ન્હાય પરસેવે : તોય મન
               ઘેટાંની  જેમ   ઊંઘરેટું......
              ઃ કાંઇ સમજાતું નથી......

- દાન વાઘેલા

ઝીણા ઝરમર ફોરા વરસે - ભગીરથ ભટ્ટ

ઝીણા ઝરમર ફોરા વરસે,
મન  મારૂ  ઉમંગે  નાચે !
ઝરમર ઝરમર વરસે મેહ,
વન વગડે મોર બોલે ટેહ.

પ્રભાત ની આછી ઓઢણી પહેરી,
આવી ચડી ત્યા પવન ની લહેરી,
પક્ષીઓ વળી કલરવ કરતા, તો,
ખેડુતો પણ ત્યા ગાડા ભરતા

આભલડા મા વીજળી ઝબુકીં,
બાળકો પણ,  ઉમટ્યા મન મુકીં,
ભીંજાતી ઓઢણી એ પાણી ભરતી,
એજ ગામ તણી સુ-નારી હતી.

ક્યારેક છયડી તો ક્યારેક તડકીં,
આવી ચડતા રે,ઢોર પણ ભડકીં,
'ભગી' મનોમન  ખુબ  હરખાય !
કેવો જોને ઝરમર મે વરસાય ..
- ભગીરથ ભટ્ટ

એ નિરર્થક વાતને ઘૂંટયા કરે - મેઘબિંદુ

નિરર્થક વાતને ઘૂંટયા કરે,
જિંદગી એ રીતથી જીવ્યા કરે.

ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,
ને સતત એ જિંદગી ગૂંથ્યા કરે.

મીણબત્તી એમણે બૂઝવી દીધી,
ને પછી દિવાસળી શોધ્યા કરે.

જાણ ખુદની છે છંતાયે એ હજુ
અન્યને પોતા વિશે પૂછયા કરે.

જીવવાનું છે અહિં ઘોંઘાટમાં
લાગણીને એ સતત પીંજયા કરે...
- મેઘબિંદુ

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન

એક ચાર વર્ષનો ભાઈ અને એની છ વર્ષની બહેન
બંને ભાઇ બહેન બજાર મા ફરવા નીકળ્યા છે
નાનો ભાઈ છટા થી આગળ ચાલે છે
અને બહેન પાછળ છે

થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં

રમકડા ની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે
ભાઈ નજીક આવી ને પૂછે છે
"કેમ
તારે કાંઇ લેવુ છે ?"

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું
ભાઈ એ બહેન ની આંગળી પકડી
અને એક વડીલ ની અદા થી
બહેન ને એ ઢીંગલી હાથ મા આપી
બહેન ખુબ જ ખુશ થઇ

કાઉન્ટર પર બેઠેલો વેપારી
આ ભાઈ બહેન ને બહાર થી જોતા હતા
અને ભાઈ ના માસુમ વડપણ ને નીરખી ને મનમાં મુસ્કુરાતા હતા

કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો
'આ ઢીંગલી નુ શું છે ?'

"જીવતર ને ઘોળીને પી ગયેલા" એ વેપારી એ કહ્યું
'તમારી પાસે શું છે ?'

બાળકે ચડ્ડી ના ખીસ્સામાં થી સમુદ્ર ના છીપલા કાઢ્યા
અને કાઉન્ટર પર મુક્યા
પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી
અને જેમ રુપિયા ગણે એમ છીપલા ગણ્યા

બાળકે કહ્યું 'કેમ ઓછા છે ?'
વેપારી કહે
'ના આમાંથી તો વધશે'

વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં પણ

એના ગયા પછી વેપારી ને એના માણસે પૂછ્યું
'આવી કિંમતી ઢીંગલી તમે છીપલા ના બદલા મા આપી દીધી ?'

વેપારી એ કહ્યું
'ભાઈ, આપણે મન આ છીપલા છે
એને મન તો એની સંપતિ છે
અને
અત્યારે એને ભલે ના સમજાય
પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશ નેે

કે છીપ ના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા ત્યાંરે એ મને યાદ કરશે
અને
એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે'

કૈંક ઈચ્છાઓ અધૂરી હોય છે,
જિંદગી તોયે મધૂરી હોય છે,
દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,
જીભ પણ ક્યારેક તૂરી હોય છે.

લીમડાના પાન મેં પણ ચાખ્યાછે
માણસના બોલ કરતા મીઠા લાગ્યાછે
જિંદગી રોજ મને શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..

"મન ભરીને જીવો,
મનમાં ભરીને નહી"
- અજાણ

રોજ મારાથી મને વાંધો પડે - ગૌરાંગ ઠાકર

રોજ મારાથી મને વાંધો પડે,
એટલે મારે મને જોવો પડે.
આ ઝરણ એમ જ નદી બનતા નથી,
દોસ્ત પાણીનેય પરસેવો પડે.
કૈંક તો સારું બધામાં હોય છે,
લીમડાનો છાંયો ના કડવો પડે.
તું દિવસ જીતી ગયાંનો વ્હેમ છોડ,
સાંજે પડછાયો ઘણો મોટો પડે.
સૂર્ય સાથે ચંદ્રને જોશો નહીં,
એક સાથે બેઉનો મોભો પડે.
તું અડે ને એમ લાગે છે મને,
જાણે સૂકા ઘાસ પર તણખો પડે.
તું હવે સરનામું સાચુ આપ, બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે.

~ગૌરાંગ ઠાકર

હતાશાનાં હિમાલયને પીગળાવી નાખીએ- આભાસ

હતાશાનાં હિમાલયને પીગળાવી નાખીએ,
ચાલ એક સાંજ આપણા નામે સજાવી નાખીએ.

થોડી હિંમત તું કર થોડી હિંમત હું કરૂં પછી,
હાલ આપણે સમયને પલટાવી નાખીએ.

બદનામ થવાથી મશહૂર થવાય છે દુનિયામાં?
મારી ખોટી ખોટી અફવા ચગાવી નાખીએ.

પ્રકાશ એનો આગ બની જાય એ પહેલા,
એની આશાનો દિપક બુઝાવી નાખીએ.

બરબાદીનું કારણ પુછે આ દુનિયા એ પહેલા ,
હાલ "આભાસ" તારો હાલ સુણાવી નાખીએ.

-આભાસ

રંગ...તરહી...

પ્રથમ રંગાઈ જાવું છે,લીલેરાં પાનને રંગે..
પછી તોરણ બની બંધાઉ છે એ હાખને સંગે...

છે અવસર અાજ અા આંગણે, લડીશું એમ સમરાંગણે..
થઈ જાશું ફનાહ ને કુરબાન, જીવન તણા જંગે...

બની અભિમન્યુ ચક્રવ્યુહે, કુદીને પાર કરવાના..
ભલેને હોય સામે મોત.! જોશો તોય એ ઉમંગે...

હવે તો જે બનાવી છે અમે લક્ષમણ તણી રેખા..
ભલેને આવતો રાવણ, છે તાકાત કે એ ઓળંગે..!!

"જગત"માં જો હશે આવી ખુમારી તો હવે મારે..
ફરી રંગાઉ છે એના એ જ શુરાતન ભર્યા રંગે...jn

આ મુઠી જેવડું દિલ -હ્રદય નાનકડું - મુકેશ મણિયાર .

આ મુઠી જેવડું દિલ -હ્રદય
નાનકડું ,
ને એને કરવા નું કામ કેવડું  મોટું ?
         આ મુઠી જેવડું દિલ -હ્રદય નાનકડું ,...
કામ એનું સતત ધબકતા રહેવા નું ,
ને એ ધબકારા સંગ ,
આ પાંચ ફૂટ ના માણસ ને જીવતો રાખવાનો ,
         આ મુઠી જેવડું દિલ -હ્રદય નાનકડું ,...
ખુશી ને આંખ માં આંજવા ની ,
નાની -મોટી વેદના એક પણ ધબકાર ચુક્યા વગર પોતાના માં ધરબવા ની ,
ને પાછી એ વાત ચહેરો ચાડી ન ખાય એ શરતે ...
         આ મુઠી જેવડું દિલ -હ્રદય નાનકડું  ,
         ને એને કરવા નું કામ કેવડું  મોટું ?
             
-મુકેશ  મણિયાર

Thursday, June 16, 2016

જગદીશ જોષી

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલો મોકલવાનું મન થાય છે.
અને….જયારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઈ ગયાં હશે…..
અત્યારે
તમારા વિનાની
મારી સાંજની જેમ.

- જગદીશ જોષી

નમણું નાજુક ને રૂપાળું- રસિક દવે 'બેહદ'

નમણું નાજુક ને રૂપાળું
બહાર વજજર અંદર આળું
ખખડવે છે ઠોકી  સાંકળ
ખોલ દિધેલું અંદર તાળું.
જાતે નીકળ કાં હું કાઢું
કાં તારો પડછાંયો વાળું.
ધોળા દિએ ના દેખાતું
મનમાં બંધાયેલું ઝાળું.
દીપક ઝાંખો થાવા લાગ્યો
શગ સંકોરો હો અજવાળું.
-રસિક દવે

જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !

જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા !
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.
હવે જિંદગીભર રૂદન કરવું પડશે,
કે મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા.
સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.
જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા,
મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં.
તમે પણ કોઈ વાત મનથી ન કીધી,
અમે પણ કોઈ વાત મનમાં ન લાવ્યાં.
કદી એને મળશું તો પૂછી લઈશું,
વચન કોને દીધાં, ને ક્યાં જઈ નભાવ્યાં ?
‘મરીઝ’ આવું સુંદર લખે અમને શક છે,
બીજાની કને એણે કાવ્યો લખાવ્યાં.

~ મરીઝ

Wednesday, June 15, 2016

અછાંદસ......... ભરત પ્રજાપતિ

મારા પેટ  ઉપર રહી ગયેલો  ખાડો
તેમાં નખાય  તેટલું નાખો
દરિયામાં  કાલે જ
માટી નાખી 
એટલી  નજર  મારી રણમાં  પડી
વાવાઝોડા માં  ઉડીને
આવતી આંધી
મારી  નજરને  મૃગજળ માં  ઉંડી   ઉતારે
ને 
ઉંચે  આકાશે
રખડતા ગીધના  ટોળાં
આશરો  આપે
ત્યારે  કાંટાની વાડ  આવતા  શિયાળને કાઢે 
ને 
મારાથી  દૂર  થતું 
અજવાળું 
નજીક  સરકીને 
સામેની બારીએ
અથડાઈને 
કંઇ બાજું  જતું  રહ્યું  !

                     આકાશ

અનિલ વાળા

AME to vaat NE chhedi ane chhodi didhi....
Nahi to Ghana chahera Na nakab utri jata...

             ---- Anil Vala

"આપણા મા આપણે"........... માધવ આસ્તિક

"આપણા મા આપણે"
ધારવા ની સાવ ખોટ્ટી ધારણામાં આપણે,

આપણા માં વારતા કે વારતામાં આપણે?

ઓરડા ને ઓસરી પુછ્યા કરે છે ક્યારની,
એકલા ક્યારે મળીશુ બારણામાં આપણે?

મોર આવ્યો આંગણે ને ઢેલ પણ છે સાથ મા,
ચાલ ને વરસી પડીએ આંગણામાં આપણે.

આટલા ઉંડા ગયા’તા  એમના મા, શું મળ્યું?
ચાલ ને પાછા ફરીએ આપણામાં  આપણે.

એક ડોસો ઝેર પી ને ફક્ત બોલ્યો આટલુ,
એમ ના જીવાય કૈ સંભારણામાં આપણે.
                                     -માધવ આસ્તિક

स्थिर पतंगियुं ☘....... भावेश  जेतपरिया

☘  स्थिर पतंगियुं  ☘

उपर उपर
झळुंबे पतंगियुं
फूल घर मेली
निज घर जोतुं
आसन वाळी
खिसकोली नीचे
अथरी अथरी
सघळुं जोडी
संकोरीने
कायानो गढ
स्थिर नजरथी भाळे
चित् आकाशे
सपनुं साचुं करवुं
ना चारे चरवुं
उचाळे भरवुं
गरदन उंचकेली
जेम खोडी खांभी
पटपटवुं भूली पूंछ
आंखोमां
फरू फरु थइ जाय
गोती गोतीने
गगनमां तागी
सज्जड वळगी
अंतरना
उमंगी हिलोळा
नभ धराने
जोडी एकाकार करीने
मस्त मौनमां
उथडक थडकियुं
स्थिर करीने स्थापे
उथापी सघळुं
उपर नीचे
नीचे उपर........

                     भावेश  जेतपरिया

બની જા! ..... શ્યામ સાધુ

અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા!

એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!

મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા!

ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા!

આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા!

હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!

          – શ્યામ સાધુ

Tuesday, June 14, 2016

જીવ માંથી શીવ બની ગયો...... જે.એન.પટેલ 'જગત'

જીવ માંથી શીવ બની ગયો...

ટાંકણાના ટંકારથી ભલે ટંકાઇ ગયો છું..
મંદિરમાં બેઠા પછી હવે પુજાઇ ગયો છું...

ના કરતા ઘા હવે કોઇ મારી પૂર્ણતાને..!
ઠોકરો ખાઇ દુનિયાની હવે ઘડાઇ ગયો છું...

કેટલી ખેલદીલી છે એમની ઉદારતાની..!!
વણ માગેલા પ્રહારોથી ટેવાઇ ગયો છું...

અમારાએ તો અમને રડતા જ રાખ્યા છે..
બસ દિવાનગી મળી ને હસતો થઇ ગયો છું...

જાણ્યા અજાણ્યા કેટલાય કાફલા આવ્યા..
પણ જુઓને હું જ સૌ મા અજાણ બની ગયો છું...

જો જો કોઇને ઉતરે નહી મારા પ્રેમનો નશો..!
હર એકની આંખો માથી હું છલકી ગયો છું...

સજાવીને બેઠા છે બસ મને જ એકને જોવા..
"જગત"મા ભીનાશનું કારણ બની સમી ગયો છું...Jn

ઓણુકા વરસાદમા બે ચીજ કોરી કટ..... રમેશ પારેખ

*ઓણુકા વરસાદમા બે ચીજ કોરી કટ,*
*એક અમે પોતે ને બીજો તારો વટ!*

નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.

વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.

નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ,
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.

તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?

મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.

- *રમેશ પારેખ*

સંતાડી રાખ્યું છે.. ...અનિલ ચાવડા

જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે,
એણે એની આંખોમાં ચાકુ સંતાડી રાખ્યું છે.

હાહાકાર મચી જાશે હું એક્કે અક્ષર બોલીશ તો,
મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે.

જગની સઘળી પળોજણોથી થાકું ત્યારે ખોલું છું હું,
બે-ત્રણ ગમતી પળનું જે ભાથું સંતાડી રાખ્યું છે.

બધાં જ પત્તાં ગણી લીધાં છે, બધું જ હું તો જાણું છું;
તારા મોઢે બોલ કયું પાનું સંતાડી રાખ્યું છે ?

વર્ષો પ્હેલાં છાનામાના રિવાજનો પાટો બાંધીને,
મેં પણ કોઈને ચાહ્યાનું ચાઠું સંતાડી રાખ્યું છે.

– અનિલ ચાવડા

Milind Gadhvi

R.R.SOLANKI (તૃષ્ણા )

ઉંડા ઉતરી ગયાં
ઘણા આ લીલેરી
લાગણી નાં મૂળિયાં,,,
શક્યતા નથી
મૂળ સોતાં,
ખેંચી નંખાશે....
પણ શક્યતા ના
દ્વાર ને દસ્તક દઇ
લાગણી ને વાટી ઘૂંટી
જખમનાં મલમ તો
બનાવી  શકાશે...!!
R.R.SOLANKI
(તૃષ્ણા )

Me nd bhatiya saheb with rishabh maheta ..મારે તમને મળવું છે.......... રિષભ મહેતા

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,\nકોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.\n\nતમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,\nચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;\nસ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,\nઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.\n\nખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,\nપગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;\nજ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને\nમારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.\n\nક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,\nબંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;\n‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની\nઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
-રિષભ મહેતા

Sunday, June 12, 2016

આ નભ ઝૂક્યું તે કાનજી....

આ નભ ઝૂક્યું તે કાનજી

      ને ચાંદની તે રાધા રે,

આ સરવર જલ તે કાનજી

      ને પોયણી  તે  રાધા રે,

આ બાગ ખીલ્યો તે કાનજી

      ને લ્હેરી જતી તે રાધા રે,

આ પરવત-શિખર કાનજી

       ને  કેડી ચડે  તે રાધા રે,

આ ચાલ્યાં ચરણ તે કાનજી

      ને પગલી પડે તે રાધા રે,

આ કેશ ગૂંથ્યા તે કાનજી

      ને સેંથી પૂરી તે રાધા રે,

આ દીપ જલે તે કાનજી

        ને આરતી તે રાધા રે,

આ લોચન મારા કાનજી

     ને નજરું જુએ તે રાધા રે!

પ્રિયકાંત મણિયાર

ખોખલી સંભાળ પર જીવી ગયું..... મેગી અસનાની

ખોખલી સંભાળ પર જીવી ગયું,
આ હ્રદય પંપાળ પર જીવી ગયું.

હૂંફ ન આપી શક્યું મન દંભને,
શુષ્કતાના આળ પર જીવી ગયું.

પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,
એક પંખી ડાળ પર જીવી ગયું.

છે સહજ સંજોગ સઘળું શીખવે,
સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું.

તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,
માછલીની જાળ પર જીવી ગયું.

ચાતકે બસ પ્રેમની પામી નજર,
એટલે દુષ્કાળ પર જીવી ગયું…

– મેગી અસનાની

સેહવી પડે છે.. - તેજલ પ્રજાપતિ

તુ પાસેય આવે છે ને નજરો થી દૂર પણ રહે છે...
નથી ગમતી આવી ક્ષણો છતાય સેહવી પડે છે..
- તેજલ પ્રજાપતિ

Saturday, June 11, 2016

શું થયું ?.... ગુણવંત ઉપાધ્યાય

પળમાં બધું છૂટી ગયું એવું તો શું થયું;
ધડકન હ્રદય ચૂકી ગયું એવું તો શું થયું ?

એક જ વિદાય એવી તો આવી પડી અને
ઘર શોકમાં ડૂબી ગયું એવું તો શું થયું ?

ઝંડો ય અરધી કાઠીએ લટકી પડ્યો હશે;
આખું ગગન ઝૂકી ગયું એવું તો શું થયું ?

આપ્યો હિસાબ આંસુનો એણે કદી નહીં;
મ્રુગજળ નયન ઊગી ગયું એવું તો શું થયું ?

સરનામાં જેવું એનું મન પાછું ફરી જતાં;
ગમતી ગલી કૂદી ગયું એવું તો શું થયું ?

મેળા મહીં મેળાપનાં સપનાં ભૂલી જતાં;
એકાન્ત પણ રૂચી ગયું એવું તો શું થયું ?

સ્હેજે ખબર રહી નહીં એ રીત કોઈ તો
હોવાપણું ભૂલી ગયું એવું તો શું થયું ?
૦૩:૧૭    ------ ગુણવંત ઉપાધ્યાય
૧૨૦૬૨૦૧૬

એક એવું ઘર મળે આ વિશ્વમા.... માધવ રામાનુજ

એક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશાય કારણ વિના પણ જઈ શકું…

એક એવું આંગણું કે જયાં મને,
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!

એક બસ એક જ મળે એવું નગર,
ગમે ત્યારે અજાણ્યો થઈ શકું…

‘કેમ છો?’ એવું ય ના કહેવું પડે,
સાથ એવો પંથમાં ભવભવ મળે…

એ એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું…

એક ટહુકામાં જ આ રુંવે રુંવે,
પાનખરનાં આગમનનો રવ મળે…

તો ય તે ના રંજ કંઈ મનમાં રહે,
અહીંથી ઊભો થાઉં ને મ્રુત્યું મળે…

– માધવ રામાનુજ