ગઝલ,લોકગીત,શેર-સાયરી,કવિતા,ઉર્મિગીત વગેરે તમારી કૃતિ અમને મોકલી આપો તમારા નામ સાથે બ્લોગમા પોસ્ટ કરશું.વોટ્સએપ +91 9537397722/ 9586546474 પર

આજનો મોરલાનો ટહુકો......

Saturday, November 26, 2016

આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની જન્મદિવસે એમના જ સર્જેન અંશો દ્વારા શ્રદ્ધાંજલિ…

આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની જન્મદિવસે એમના જ સર્જેન અંશો દ્વારા શ્રદ્ધાંજલિ…

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો.

મને ફૂલો ની જેમ ના સવાલ કર
મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર..!!!

તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું,
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું.

ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?

હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે,
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે.

છે અભણ આંખમાં વેદનાનો ડચુરો ને બારાખડીમાં ઊભો છું
મનની નિશાળમાં એકલો મારી સાતે સગી ચામડીમાં ઊભો છું

એકલતા બીજુ નામ છે જીવતરના બોજ નુ
તું આવે તો આ બોજ ને અળગો કરી શકાય

હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્ન નિરખવાના ગુના કર્યા છે

બંધ પરબિડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલની જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે
બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં
અને વસંતના પવનની ફાંસ વાગતી રહે

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
આ ખાલી ઘરમાં હોતું નથી કોઈ આજ-કાલ
રહેતું'તું કોણ? લાવ, જરા યાદ કરી જોઉં.

આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ,
આ બાજુ કૂંપળ અવનવી ફુટવાની કથા છે !

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું,
હું છું પ્રથમ મુકામ, લે, મારાથી કર શરૂ.

બુઢાપો કડવો છે ? તો લે આ બચપણની ચાસણી
ડૂબી શિશુમાં સ્વાદને મીઠ્ઠો કરી શકાય

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.

પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
શોધ, ભાષ તું પ્રથમ શબ્દો વગરની

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

મેં રસ્તાઓ બદલ્યા, મકાનોય બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે

સ્પર્શ દઈ
પાણી વહી જાતું હશે
ત્યારે કંઈક
આ પત્થરોને કંઈક તો થાતું હશે…

નથી કબૂલ આ અંગત વસંતનાં સ્વપ્નો
કોઈના હકમાં મને પાનખર કબૂલ નથી

હોવા વિનાની કોઈ શક્યતામાં ઓગળીને,
જળનો આકાર તમે લેતાં,
તમે મારામાં આરપાર રહેતાં…

ચરણ મારાં તારા ભણી હોય છે,
હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે.
મુઠ્ઠીમાં જ રાખીને ફરીએ છતાં,
ક્ષણો કેટલી આપણી હોય છે ?

ફૂલ –
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડૂબકી મારે એવા
કોણ મરજીવા છે !

ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું

રહી ગઈ છે અમસ્થી જ બારીઓ ખુલ્લી
રમેશ, બંધ ઘરને હોય ના કશું વળગણ.

તમારા સ્પર્શની લીલાશમાં ખોવાયાં-ખોવાયાં
હરણ થઈને ફર્યાં કરતા સ્મરણ થાકી જશે ત્યારે ?

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?

બધાને આવતો સરખો વિચાર હોઈ શકું,
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું;
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો,
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !

તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું.

કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ પામ્યા, રમેશ
દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ.

‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.

સર્વ ઇતિહાસોનો આ ઇતિહાસ છે :
સૌને સૌનું ખાસ પાનું જોઈએ

રમેશ પારેખ

Monday, November 21, 2016

ડૉ. ભાવેશ જેતપરિયા........ થેલો ભરીન

થેલો ભરીને

થેલાનો ભાર લઈ કાંધ પર નિશાળે ઠલવાતું થાશે
રીક્ષામાં સ્કૂટર પર સાયકલને પગલાંનું ધમધમતું થાશે

'બાય મોમ' 'ટાટા' હો પાપાને શબ્દમાં સપનાથી ખીસ્સું છલકાશે
રસ્તા પર હોંહોંની વચ્ચે રહી ડ્રાયવરને હવાલે ફૂલડું અથડાશે
ગમતિલું રમતિલું લાઈનસર શૈશવિયું કેમ્પસમાં ધલવલતું થાશે
થેલાનો ભાર લઈ કાંધ પર...

કોરી કટ્ પાટીની મસ્તીને બીબાંમાં ઢાળીને સમથળવું ડોલે
રંગરંગ પતંગિયાં લેશનને નિયમમાં એક જાત પહેરીને બોલે
હૈયામાં ધગધગતું ભાવ ઝરણ ઠીંગરાઈને નીતરતું ગાશે.
થેલાનો ભાર લઈ કાંધ પર....
           ડૉ. ભાવેશ જેતપરિયા

Friday, November 18, 2016

શિલ્પી' બુરેઠા(કચ્છ ). મારી ગઝલના બે શેર .

મારી ગઝલના બે શેર .

'નથી હું ચમનમાં નથી હું ગગનમાં,
  મને શોધશો ના  ગયો છું  વતનમાં.

જરા ધૂળ ચપટી  વતનની  લેવા દો,
  કે પરદેશમાં કામ આવે  દફનમાં .

-'શિલ્પી'  બુરેઠા(કચ્છ )

અશોક ચાવડા ‘બેદિલ’

અવાય તો જ હવે આવ, સાવ છોડીને;
હું રાહ જોઉં છું તારો લગાવ છોડીને.

અનેકવાર તૂટ્યો એનું એક કારણ આ,
મળ્યો ન ક્યાંય અરીસો સ્વભાવ છોડીને.

નથી કશુંય નથી માત્ર ધૂળ-ઢેફાં છે,
જઈ શકાતું નથી પણ તળાવ છોડીને.

ફરી જનમવું જ પડશે એ વાત નક્કી છે,
કહ્યું તેં અંત સમયમાં : 'ન જાવ, છોડીને'.

હલેસું કાષ્ઠ હતું છેક લગ રહ્યું સાથે,
બધા જતાં જ રહ્યાં છોને નાવ છોડીને.

- અશોક ચાવડા ‘બેદિલ’
(‘પડખું ફર્યું તળાવ’માંથી)
-

દેવેન્દ્ર ધમલ...... ગઝલ:- જવાની જંગ માંગે છે.

ગઝલ:- જવાની જંગ માંગે છે.
----------------------------------------------
લગાગાગા-4
--------------------------
ફિઝાઓ ગાલની લાલી મહીંથી રંગ માંગે છે.
હવાઓથી સમંદર જેમ આ તરંગ માંગે છે.

અમારે એકલા રહેવું,મિલનની મોસમોમાં પણ,
હવે તો દિલ ભલા કોઇ રુપાળો સંગ માંગે છે.

નથી ગમતું જરા પણ,આમ કંટાળો જણાયે છે,
તમે આવો હવે તો લોક આ પ્રસંગ માંગે છે.

કલાથી પર રહેવું શક્ય ના બનશે તમારાથી,
અહીં તો પ્રેમ કરવાને જમાનો ઢંગ માંગે છે.

ઘણે વખતે બને છે એમ પણ,મારા અનુભવ છે,
હૃદયમાં દુ:ખ હોયે પણ છતાં ઉમંગ માંગે છે.

ભુલી જાઓ જમાનાની બધી આજે જ પાબંદી,
મહોબ્બતમાં 'ધમલ' સાચે જવાની જંગ માંગે છે.

                   -- દેવેન્દ્ર ધમલ

કૃષ્ણ દવે...... બેન્કો પર રોજ રોજ વધી રહેલી લાઇનોને નીરખ્યા પછી ! ! !

બેન્કો પર રોજ રોજ વધી રહેલી લાઇનોને નીરખ્યા પછી ! ! !

જ્યારથી આ ભજવાયો વેશ !
ભૂખ્યો ને તરસ્યો પણ લાઈન લગાડી જાણે ઉભો રહી ગ્યો છે આખ્ખો દેશ !

વ્હાઇટ ને બ્લેકમાં ઈ બાપડો શું જાણે ને બસ્સો મળે તો થાય રાજી
સાંજ પડયે  ઘરવાળી ચૂલો સળગાવે ને રોટલી ખવાય બે'ક તાજી
જન્મારો વહી ગ્યો પણ  બરછટ હથેળીઓને અડવા'ય ક્યાં મળતી'તી કેશ ?

ભૂખ્યો ને તરસ્યો પણ લાઈન લગાડી જાણે ઉભો રહી ગ્યો  છે આખ્ખો દેશ !

કાળાનુ ધોળું કરવાની આ લાઈન ને લાઈનમાં 'ય પાઉચના બ્લેક !
વખાની મારેલી તરસી બે આંખ્યુંમાં ઝળઝળિયાં આવી ગ્યા  છેક.
હડિયાપાટી તો એવા પગમાં લખાણી જેને વાગી ગઈ ભાઈ મોટી ઠેસ  !

ભૂખ્યો ને તરસ્યો પણ લાઈન લગાડી જાણે ઉભો રહી ગ્યો  છે આખ્ખો દેશ !

કૃષ્ણ દવે. તા-15-11-12016.

જાગૃતિ મારુ "જાગુ"મહુવા .... ચિત્રલેખા

ચિત્રલેખા

જોતા દિવેલને અંજવાળા
પ્રકાશ તણખે પ્રજ્વલીત અને
દિવે દિપક થયો...
જાણે ..
રસ્તો સાથે ચાલ્યો ચિત અને ચિત્ર ધણા રંગ-રંગી લઈ
મૂગી ભાત શબ્દ બની અને
શબ્દે-શબ્દનમા ચિતરેખા!
ચિત્રલેખા...
જળરંગી રૂપરેખા જાણે મેધનુષ્ય
બાણે કમાન સંભાળી
શબ્દવેધી બાણ લાગે
અને નવી રચના
લીલાશ મઢેલી
મખમલ-મખમલ થાતી...
કયા ટહૂકે કોયલ ગીત ગાતી ?
રંગે છે તે ભીની-ભીની કૂક
હવે...
ગહેકશે માહોલ રંગરૂપ આકાર,લય,ગીત,ભજનસંગીત... સ્મૃતિ ટાંકણે જાણે
માટી ચાકડે ધડૂલો અને
જળથી તરેલો તરંગ તાતણે
હળવો લેખ જાણે
ચિત્રલેખા..
નમન કરે

જાગૃતિ મારુ "જાગુ"મહુવા 17-11-2016

गौतम परमार "सर्जक"..... तरही गजल कविश्री हनीफ साहिलना मिशरा परथी

तरही गजल
कविश्री हनीफ साहिलना मिशरा परथी
------------------------
सूर्य पण क्यां सवार बदले छे
रोज ए फक्त वार बदले छे

धैर्य साधन छे  एक संयमनुं
हद वटे त्यां दिदार बदले छे

फूल सचवाइ ग्या किताबोमां
यादना बस तुषार बदले छे

क्यां रही वांसळी कनैया हाथ
सूर जेना मदार बदले छे

कोइ जइने कहो ए मोदीने
नोट कोनी कतार बदले छे ?
------------------------

-गौतम परमार  "सर्जक"
-(मोरबी जिल्ला साहित्य वर्तुळ)-

भरत भट्ट

पगथारथी लईने  पीडा  अपार  आव्यो
आ पार सोंसरो थई हुं आरपार आव्यो

चाल्यो चलणनी माफक चंपायेला चरणथी
फाटी - तूटी  जईने  तारी  बजार  आव्यो

तोखार जेम आव्यो  किल्ला  वटावी दईने
हांफी रह्य़ो छुं किन्तु, क्षणमां धरार आव्यो

आव्यो सवाल ऐमां अवरुद्ध थई जवानो
अजवासनी दिशाऐ आ अंधकार आव्यो

            ..भरत भट्ट

અનિલ વાળા......... ગઝલ

ગઝલ

ઊગ્યો છે તો આથમવાનો,
સૂરજ બીજું શું કરવાનો ?

ગઝલોના ફંદામાં આવ્યો,
લાગે આ માણસ મરવાનો!

પોતાનો   ફોટો   મેલીને,
પોતાને  દીવો  કરવાનો.

પથ્થર  પાદરનો  આવીને,
આંખો વચ્ચે ખરખરવાનો.

મોત! તને સત્કારું આજે,
હું તારાથી ક્યાં ડરવાનો....

ઘેલો માનો તો ઘેલો છું,
હું તો બસ આમ જ ફરવાનો....

હૈયું તારું  ચોખ્ખું  કરજે,
હું છું મેળો ત્યાં ભરવાનો.

           - અનિલ વાળા

દેવેન્દ્ર ધમલ......... તરહી ગઝલ

તરહી ગઝલ
----------------------
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.
-------------------------------------------
વિરડો શ્રધ્ધા થકી આ રેતમાં ગાળી જુઓ.
આંખ છે દરિયો ભલા ,બે આંસુઓ ખાળી જુઓ.

આ જગત પથ્થર સમું છે તે છતાં એ ઓગળે,
પ્રેમના દ્રાવણ મહીં, થોડુંક ઓગાળી જુઓ.

જડભરત જેવા જગતનું,આ અંધારું ટાળવા,
હેતથી હૈયું ભલા,ચોમેર અજવાળી જુઓ.

પ્રેમથી દિલને મનાવો ,ખુદ તણું એ માનશે,
એ પછી તો કોઇ પણના, બિંબમાં ઢાળી જુઓ.

હો પ્રકાશિત આપનું વ્યક્તિત્વ સાચે પણ જરા,
આ હ્રદયને પર વ્યથાની આગમાં બાળી જુઓ.

થઇ જશે જીવતર તમારું,રંગરંગી ઓ 'ધમલ',
પ્રેમથી આ પ્રેમવાળા,પંખીને પાળી જુઓ.

               -- દેવેન્દ્ર ધમલ.

આભાસ

લ્યો થઈ ગયા છે આ રૂપિયા તો ગુલાબી,
કોઈ ના રહ્યા અહી આજે નવાબી.

હોઠ મારા જામને અડ્યા નથીને,
જાત મારી કેમ લાગે છે શરાબી?

સાથ તારો, પ્રેમ તારો, આ ક્ષિતિજને,
સાંજ આજે તો બની ગઇ છે ગુલાબી.

બે હિસાબે પ્યાર આપ્યો તો સનમને,
ચોપડા કોરા ને જગ થયો છે હિસાબી.

એટલે 'આભાસ' ભટક્યો આટલો ને,
મોતમાં એને રહી કાયમ ખરાબી.

-આભાસ

હમરાઝ

ઓરડે બેસી ચાંદ સીતારા નીરખવાં ક્યાં સહેલા છે?
આપણે તો છે! કમનસીબે એ સામા ઘરને બારી નથી,

"હમરાઝ

દેવેન્દ્ર ધમલ........ તરહી ગઝલ

તરહી ગઝલ
---------------------
લગા લગાગા,લગા લગાગા,લગા લગાગા, લગા લગાગા
----------------------------------------------
નવા જ મિત્રો, નવી જ વાતો, નવી મુલાકાત છે અહીં તો.
નવા વિચારો,નવા ઉતારાં, નવી શરુઆત છે અહીં તો.

મને ખબર છે ,તને ખબર છે, અહીં બધાને બધી ખબર છે,
એક બીજાને ગમતાં થઇશું,નવી કબૂલાત છે અહીં તો.

તમે અમારાં ,અમે તમારાં,કહો હવે કોણ છે બિચારા,
નવી જ કેડી, નવા જ પગલાં,નવી નવી ભાત છે અહીં તો.

ઉંઘી જઇએ ,અમેઅમારા ,નવા જ સપનાં, સંગે લઇને,
નવલ પ્રભાતે,સફળ થઇશું,નવી નવી છે રાત અહીં તો.

ભરી ભરીને પીધા કરો હાં,ભરી ભરીને લીધા કરો હાં,
'ધમલ'મજાના કવિ તણી શી, નવી રજુઆત છે અહીં તો.

               --  દેવેન્દ્ર ધમલ

तरही गजल [कविश्री हनीफ साहिलना मिशरा परथी]

सूर्य पण क्यां सवार बदले छे
रोज ए फक्त वार बदले छे

धैर्य साधन छे  एक संयमनुं
हद वटे त्यां दिदार बदले छे

फूल सचवाइ ग्या किताबोमां
यादना बस तुषार बदले छे

क्यां रही वांसळी कनैया हाथ
सूर जेना मदार बदले छे

कोइ जइने कहो ए मोदीने
नोट कोनी कतार बदले छे ?

-गौतम परमार  "सर्जक"
(मोरबी जिल्ला साहित्य वर्तुळ)

આકાશ

આ રૂક્ષ સમયે
મને ઘેરી લીધો  છે
વહેતા જળના વમળમાં  અટવાઈ ને  આઘોપાછો
થતો  પથ્થર
ઉછળીને મારી પાસે
આવીને કહે કે. .!
મારું શું કામ પડ્યું .?
કામ વગર કોણ કોને બોલાવે છે. .?
તું કઠોર કે લાગણીશીલ...!
ગીતશીલતા તને  ક્યારે  લાગું  પડશે.
તું  કોઇની ઉપમા બનવા લાયક  છે !
મને તો શ્ર્લેષ પણ ના કહે
થોડે થોડે દૂર કાગળના ટૂકડામાં
કોઇએ લખેલી
વેદના   રઝળતી  પડી છે
કહે છે 
મને  કોઇ તો બચાવો
કાગળ અને પથ્થર ની
સરખામણી  કોણ
કરશે .?
ને પાછો હું
પણ  ઉભો જ છું. .........
નજીકમાં !

               આકાશ

બેઠી રહી

મોડે  સુધી  આયાસમાં  બેઠી રહી
હું મૌનના અજવાસમાં બેઠી રહી

ભીની થયેલી આંખના સોગંદ કે
હું  સાવ નોખી પ્યાસમાં બેઠી રહી

તોડી નહીં  હાથે કરી આ શૂન્યતા
તૂટી રહેલા શ્વાસમાં બેઠી રહી

કો'  હાથ ફેલાવી  મને આલીંગશે
હું એ જ તે વિશ્વાસમાં બેઠી રહી

આવી અને ચાલ્યું ગયું છે કોણ કે
આ 'શીલ 'એ આભાસમાં બેઠી રહી

@હેમશીલામાહેશ્વરી"શીલ"

હમરાઝ

ગઇકાલેજ લટાર મારી, લંડન, પેરિસ, ન્યૂયોર્કમાં,
ગજવાને છો'ને હો, સપનાને પગે ક્યાં બેડીઓછે.

"હમરાઝ

નઝમ :- મિલન કહી શકો છો...... દેવેન્દ્ર ધમલ

નઝમ  :- મિલન કહી  શકો છો.
-----------------------------------------------
છંદ : - લગાગા
--------------------------
મહોબ્બતમાં મરવાનું સૌને ગમે છે,
જુદાઇ મૃત્યું નુ કથન કહી શકો છો.
સતાવે નશીલી જવાની તમોને,
જવાની ને બદલે જલન કહી શકો છો.

શરાબી અમસ્તાં નથી લોક બનતા,
છે આદત નશામાં રહેવાની તેઓને,
ચડાવે નશો જો  વસંતો તમોને,
મહોબ્બતનું એને વચન કહી શકો છો.

હજારો કહાની મહોબ્બત
બની છે,
હજારો કહાની મહોબ્બતની બનશે.
ફના થાય છે જે મહોબ્બતને કાજે,
મહોબ્બતનું એને વચન કહી શકો છો.

ઘણી વેદનાઓથી પર એ રહીને,
કરે છે સહન એ સિતમ આ જગતના,
સજાવે મહોબ્બત 'ધમલ' આ બધામાં,
તો બે આતમાનું મિલન કહી શકો છો..

               --  દેવેન્દ્ર ધમલ

ડાહપણ છૂટી ગયું છે નેમમાં..... - " શગ "- શીતલ ગઢવી

ડાહપણ છૂટી ગયું છે નેમમાં.
બાળપણ મૂંઝાઈ રમતું ગેમમાં.

છોડ ખોટી આ તું હૈયા દાઝને,
જિંદગી બાકી બચી છે રેમમાં?

વાહ! રળવા ગીરવે દૈ લાગણી
ગાંડપણ લઇ દોડતો તું ફેમમાં.

ચાંદ તારો આજ કાળો લાગતો,
શાણપણ દેખાય ગોરી મેમમાં.

રોટલીને ગોળનો આનંદ ગ્યો,
'બન-બટર'માં સ્વાદ લાગે જેમમાં.

-શીતલ ગઢવી"શગ"

Thursday, November 17, 2016

છંદોના નામ - Special Thanks to Kavi Jalrup for Collection...

મુતકારિબ :-

લગાગા લગાગા લગાગા લગાગા

મુતદારિક :-

ગાલગા ગાલગા ગાલગા ગાલગા

રજઝ :-

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

હઝજ :-

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

રમલ :-

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

કામિલ :-

લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા

વાફિર :-

લગાલલગા લગાલલગા લગાલલગા લગાલલગા

તવીલ :-

લગાગા લગાગાગા લગાગા લગાગાગા

મદીદ :-

ગાલગાગા ગાલગા ગાલગાગા ગાલગા

બસીત :-

ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા

મઝારિઅ :-

લગાગાગા ગાલગાગા લગાગાગા ગાલગાગા

મુક્તઝિબ :-

ગાગાગાલ ગાગાલગા ગાગાગાલ ગાગાલગા

મુજતસ :-

ગાગાલગા ગાલગાગા ગાગાલગા ગાલગાગા

મનસરિહ :-

ગાગાલગા ગાગાગાલ ગાગાલગા ગાગાગાલ

સરીઅ :-

ગાગાલગા ગાગાલગા ગાગાગાલ

જદીદ :-

ગાલગાગા ગાલગાગા ગાગાલગા

કરીબ :-

લગાગાગા લગાગાગા ગાલગાગા

ખફીફ :-

ગાલગાગા ગાગાલગા ગાલગાગા

મશાકિલ :-

ગાલગાગા લગાગાગા લગાગાગા

કુલ  19 બહેરો છે જેના નામ સહીત મુક્યું છે.....

Like Kavi Jalrup's Facebook Page

જ આપણું..... - મનીષા જોબન દેસાઇ

સૂરજ સમું આ ઝળહળ જ આપણું ,
પાંખ વિના આ  ટળવળ જ આપણું .

સાવ સૂનાં   બાગનાં  આ    વૃક્ષ પર,
ફૂલ થઈને આ બળબળ જ  આપણું.

છે ખબર  કે  વિરહ    દરિયા જ  છે
રાતમાં રોજે  સળવળ  જ   આપણું .

મૃગજળ જો જાય છોડી   રણ વચ્ચે,
રેતસુ  જાણે  રળઝળ જ    આપણું .

-મનીષા જોબન  દેસાઇ

હરિ! હવે હેલો સંભળાવો હાલો... - અનિલ વાળા

હરિ! હવે હેલો સંભળાવો હાલો...
હેલો, રામદેવનો હેલો !

જાતરાએ જાનારા વાણિયાની હાર્યે નથી રે આજે કોઇ,
રમત્યુ રમ્યા'તા ત્રણ તલ્લાની, એમાં ખોવાઇ મારી મોઈ !

પ્હેલો માનો તો હું પ્હેલો
નહિતર હું તો છેલ્લો...
હેલો, રામદેવનો હેલો...

ચોર ચોરશે કશુંક એનો નથી મને કંઈ ભય,
તમે જ મારું નાણું,પઇને જાણે મારી બઇ !

હરિ! હાથ મેં ધોયો મુજથી
છતાં રહ્યો કાં મૅલો ???
હેલો, રામદેવનો હેલો...

શબ્દ હવે તો અંધ થિયાં ને લયને નીકળ્યો કોઢ,
ચાદર માની મને પ્રેમથી હરિ હવે તું ઓઢ....

ટેમસર હું થ્યો તમારો....
નહિ મોડો નહિ વ્હેલો,
હેલો, રામદેવનો હેલો.....
હરિ ! હવે હેલો સંભળાવો હાલો...
- અનિલ વાળા

Wednesday, November 16, 2016

કેમ તોડું..... - ભારતી ગડા

જિંદગીભર ચાલશે આ મૌન મારું કેમ તોડું ?
તુટશે  યા તારશે   આ મૌન મારું કેમ તોડું ?

રોજ કેવું ,કેટલું હું  બોલતી  પણ કોણ સમજે
વાત મારી માનશે  આ મૌન મારું કેમ તોડું ?

મૌનની આ વેદના જાણે  ન કોઈ વાત મારી
એક સીમા રાખશે  આ મૌન મારું કેમ તોડું ?

મૌનની પીડા  કહું કે ચુપ રેવું  શાણપણ છે
સાચ ને દર્શાવશે  આ મૌન મારું કેમ તોડું ?

કેમ મારો પ્રિયજન જાણી શકે ના વાત મનની
લાગણીને ચાહશે  આ મૌન મારું  કેમ તોડું ?

- ભારતી ગડા

ઓઘડ ! અથરો થા મા... - નિરંજન રાજ્યગુરુ.......

પલપલિયાં તો પાડે, તું ભરમાતો નૈં
ઈ આંસુડાં લીધાં ભાડે, ભૈ હરખાતો  નૈં
સાંજ ઢળી કે જો જે કરશે કાતીલ કામા
ધીરે ધીરે બાપલિયા, ડગલાં ભરજે સામા.
ઓઘડ !  અથરો થા મા...

પતંગિયાંની પાંખ સમાણો પાલવ વીંઝે
ઉના ઉના ટપકારે મરને મોસમ ભીંઝે
જરાક ભોણ કળાણું નાંખી દેશે ધામા,
હુશિયારી, મંતર, ચોટ, મોરલી થશે નકામા,
ઓઘડ ! અથરો થા મા...

નવરંગી ઈ નાટક ખેલ શું ખરાખરીનો
પચરંગી પાખંડે કરશે બે કોડીનો,
કાયા, છાયા, માયા, અપરંપાર ઉધામા
એમાં પાર પહૂંચે તો તો જામે જામા...
ઓઘડ !  અથરો થા મા...

ઘડી બે ઘડી જડી, રૂપેરી પાઘ મસ્તકે ઘેરી
નાંખ નાંખ ખંખેરી, જબરાં ચોટયાં રજકણ ઝેરી
ખૂટલ ખટપટિયાંની સનમુખ, સાચાં સોગન ખા મા
તાર તાર ઓગાળી તારા ગાન બસુરૂં ગા મા...
ઓઘડ !  અથરો થા મા...

ઘેલસાગરો કોક ગણે કે માની લ્યે અડબંગી
છટકામાંથી છટક તુંને ટોપી મળશે સરભંગી
અડાબીડ કંટાળી કેડી જનમ જનમના દા' માં
જમા જાગરણ સમરણ જ્યોતે, સાંઈ સહજ તમ સામા...
ઓઘડ !  અથરો થા મા...

- નિરંજન રાજ્યગુરુ

હું પ્રેમમાં છું....-નટવર "સનમ"

ઠુકરાવો તમે કે મને પ્યાર કરો, હું પ્રેમમાં છું;
જે કરવું હોય એ લગાતાર કરો, હું પ્રેમમાં છું.

નથી બચવાની કોઈ જ આશા, નથી નિરાશા;
હોય જો કોઈ તો સારવાર કરો, હું પ્રેમમાં છું.

નસીબમાં હતું જ ઇશકમાં પાયમાલ થવાનું;
હવે તમે તમારી દરકાર કરો, હું પ્રેમમાં છું.

ન તો રૂબરૂ થયા, ન તો સપનામાં પધાર્યા;
મારા સપનાંને તો સાકાર કરો, હું પ્રેમમાં છું.

તમારી ચાહતથી ય નથી મળતી રાહત મને;
ચાલો, આજે મીઠી તકરાર કરો, હું પ્રેમમાં છું.

નજર નચાવો અથવા નજર બચાવો, સનમ;
ડુબાવી દો આંખોમાં કે પાર કરો, હું પ્રેમમાં છું.

થતા થતા તમને પણ થઈ જશે પ્યાર એક દિ;
મારો તમે થોડો તો એતબાર કરો, હું પ્રેમમાં છું.

દીવાલો સાથે વાત કરું, હસતા હસતા હું રડું;
મારી હાલતનો જરા વિચાર કરો, હું પ્રેમમાં છું.

આ ભવમાં તો દઈ ગયા દગો નટવરને તમે;
આવતા ભવ માટે તો કરાર કરો, હું પ્રેમમાં છું.

-નટવર "સનમ"