અંધારું વિંધીને આવ્યું છે અજવાળું,
આળસ મરડી ઇશનું જાગ્યું છે રજવાડું.
અવસર આવ્યો, તો અંગૂઠો કાપી આપ્યો,
મેં લીધું સઘળું જ્ઞાન અજાણ્યા પરબારું.
વાંકાચૂકા રસ્તે પણ એ ચાલ્યા કરશે,
આ જીવન છે દુ:ખ ખુશીનાં બે પડ વાળું.
પરસેવાની સોડમ મેં ખિસ્સામાં મૂકી,
મ્હેકે છે રોટીની ફોરમથી ઘર મારું.
રહેશે ના ખુશી કાયમ તેનાં ઘર આંગણ,
જેનાં છે પાયાનું ભણતર થોડું કાચું.
રાજા, વાજા ને વાનરથી દૂર રહો ભૈ,
કોણ હશે હે!આવી પણ ક્હેવત કહેનારું.
જીવન જંગ લડીને, થઇ મારી બેહાલી
આપો મારો હિસ્સો, હું ક્યાં સઘળું માંગું!.
એ સઘળા પણ છે ભારતનાં જાની દુશ્મન,
જેણે ઘરમાં રાખ્યું આજે કાળું નાણું.
લોહીમાં લથબથ સૂતી છે ધરતી રાણી,
"મા" શું પીડા થાય?નથી કોઈ પુછનારું.
સરવાળે તો માણસ ત્યાનો ત્યાં જ રહ્યો છે,
ખાલી આવ્યો, ખાલી હાથે જ જવાનું.
તારી વાતો પણ કરશે, સૌ પાદર બેસી
તારે બસ તારા રસ્તે ચાલ્યા કરવાનું.
*કાજલ કાંજિયા "ફિઝા"*
*4/11/2017*